લંડનઃ બર્કશાયરમાં બ્રેકનેલ ફોરેસ્ટના પૂર્વ મેયર 61 વર્ષીય નાહીદ એજાઝ પર અપરાધના પુરાવા છૂપાવવા પુત્રને મદદ કરવાનો આરોપ મૂકાયો છે. પોલીસે તેમના પુત્રની તેમના જ ઘરમાંથી 15 વર્ષીય સગીરા પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરી હતી. એજાઝે તાજેતરમાં જ મેયર તરીકેના એક વર્ષના કાર્યકાળને પૂર્ણ કર્યો હતો. તેમણે 41 વર્ષીય પુત્ર દિવાન ખાનની ધરપકડ કરવા પોલીસ આવી ત્યારે પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી.
લેબર કાઉન્સિલર એવા નાહીદ એજાઝે પોલીસને થોડી મિનિટો સુધી ઘરની બહાર અટકાવીને તેમના પુત્રને ઉર્દુમાં ફોન છૂપાવવાની સૂચના આપી હતી. આ ફોનમાં બળાત્કારનો વીડિયો હોવાનું મનાય છે.
પ્રોસિક્યુશન વતી એડ વાયલ્ડે વિન્ચેસ્ટર ક્રાઉન કોર્ટને જણાવ્યું હતું કે, માતાનો પુત્ર માટેનો પ્રેમ વ્યાજબી હોય છે પરંતુ આ કેસમાં માતાએ પુત્રનો અપરાધ છૂપાવવામાં મદદ કરી છે. દિવાન ખાન તેમની માતાના મેયર તરીકેના કાર્યકાળમાં મેયર્સ કોન્સર્ટ તરીકે કામ કરતો હતો. તેના પર સગીરાને શરાબ અને ડ્રગનું મિશ્રણ પીવડાવી, બેહોશ કરી બળાત્કાર ગુજારવાનો આરોપ મૂકાયો છે.

