નવી દિલ્હીઃ યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે પત્ની અક્ષતા મૂર્તિ, બંને દીકરીઓ અને સાસુ સુધા મૂર્તિ સાથે ગયા શનિવારે વિશ્વની સાત અજાયબીમાં સામેલ આગ્રા સ્થિત તાજમહેલની મુલાકાત લીધી હતી. બે દિવસના આગ્રા રોકાણ દરમિયાન પરિવારે તાજમહેલ ખાતે 90 મિનિટ વીતાવી હતી. સુનાક દંપતીએ જણાવ્યું હતું કે, આ એક અદ્દભૂત મુલાકાત હતી. તાજમહેલની જેમ પોતાની સાથે સાંકળી લે તેવા બહુ જૂજ સ્થળ વિશ્વમાં છે. અમારા પરિવાર માટે આ એક અવિસ્મરણીય અનુભવ રહ્યો. યુકેના પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે ગયા સોમવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટ પર મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સુનાક સાથેની મુલાકાત અદ્દભૂત રહી. ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા માટે તેમના સતત સમર્થનની હું પ્રશંસા કરું છું.