લંડનઃ લંડનની હોલ્બોર્ન એન્ડ સેન્ટ પેન્ક્રાસ બેઠકના સાંસદ અને પૂર્વ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર પોતાના પદેથી રાજીનામું આપવા જઈ રહ્યા છે, જેના કારણે આ વિસ્તારમાં પેટાચૂંટણી યોજાશે. કેમડન ન્યૂ જર્નલ સાથે વાતચીત કરતા તેમણે પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હવે હું અન્ય બાબતો પર લક્ષ્ય કેન્દ્રિત કરીશ, જેમાં ઝડપથી બદલાઈ રહેલા વિશ્વમાં સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને ટેકનોલોજી સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મહિલાઓ અને યુવતીઓ સામે થતી હિંસા સામે લડવાનું કામ હું લાંબા સમયથી કરી રહ્યો છું અને તે આગળ પણ ચાલુ રાખીશ. આ એક એવો મુદ્દો છે જે મારા માટે ખૂબ મહત્વનો છે. સાંસદ બન્યા પહેલાં જ મેં આ ક્ષેત્રે કામ શરૂ કર્યું હતું અને સાંસદ પદ છોડ્યા પછી પણ તેને આગળ ધપાવવા હું આતુર છું. આમ, એક તરફ આંતરરાષ્ટ્રીય બાબતો અને બીજી તરફ મહિલાઓ સામેની હિંસા અટકાવવાનું મારું કાર્ય મારી પ્રાથમિકતા રહેશે.


