પૂર્વ વડાપ્રધાન સુનાક માટે ઇસ્ટર વેકેશન પીડાદાયકઃ સ્કીઇંગ દરમિયાન ઇજાગ્રસ્ત

દીકરીઓ સામે હોંશિયારી બતાવવા જતાં ઇજાગ્રસ્ત થયોઃ રિશી સુનાક

Tuesday 14th April 2026 11:51 EDT
 
 

લંડનઃ પૂર્વ વડાપ્રધાન અને નોર્થ યોર્કશાયરના રિચમંડ અને નોર્થલર્ટન બેઠકના વર્તમાન સાંસદ રિશી સુનાક માટે આ વખતનું ઇસ્ટર વેકેશન પીડાદાયક રહ્યું છે. પોતાની દીકરીઓ સાથે સ્કીઈંગનો આનંદ માણી રહેલા સુનાક અકસ્માતનો ભોગ બનતા હવે ઘોડીના સહારે ચાલવા મજબૂર બન્યા છે.

૪૫ વર્ષીય સુનાકે સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાની જાણકારી આપતા સ્વીકાર્યું હતું કે, ૧૫ વર્ષીય ક્રિષ્ણા અને ૧૩ વર્ષીય અનુષ્કા સામે દેખાડો કરવાના ચક્કરમાં તેઓ પોતાની મર્યાદા ભૂલી ગયા હતા. તેમણે રમૂજી અંદાજમાં લખ્યું, "આ ઇસ્ટર પર દીકરીઓ સામે હોશિયારી બતાવવા જતાં મેં મારું નસીબ અજમાવ્યું અને આખરે ઈજાગ્રસ્ત થયો."

સુનાકે વધુમાં જણાવ્યું હતું કે તેમની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. ઈજા હોવા છતાં તેઓ સંસદીય અને મતવિસ્તારની જવાબદારીઓ નિભાવવાનું ચાલુ રાખશે. જોકે, તેમણે નિરાશા વ્યક્ત કરતા ઉમેર્યું કે, પગની ઈજાને કારણે તેઓ આગામી કેટલાક સમય સુધી તેમના પાલતુ શ્વાન 'નોવા'ને વોકિંગ પર લઈ જઈ શકશે નહીં.

હાલમાં સુનાક ટેલિવિઝન પર સ્પોર્ટ્સ જોઈને પોતાનું મન બહેલાવી રહ્યા છે અને વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને કાર્યરત થવા માટે આશાવાદી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter