પેકેજીસની આકરી કિંમતઃ ટેક્સમાં વધારો અને વેતન સ્થગિત કરાશે

Sunday 17th May 2020 10:01 EDT
 

લંડનઃ યુકેને કોરોના મહામારીથી સર્જાયેલી આર્થિક બેહાલીમાંથી બહાર કાઢવા ૩૦૦ બિલિયન પાઉન્ડના સહાય પેકેજ તો જાહેર કરી દેવાયા છે. પરંતુ, બ્રિટિશરોને તેની આકરી કિંમત પણ ચૂકવવી પડશે. સરકારનું ધ્યાન પરિવારો અને બિઝનેસીસને સપોર્ટ કરવામાં જ કેન્દ્રિત છે ત્યારે બ્રિટનનું અર્થતંત્ર ૧૯૪૫ પછી સૌથી ખરાબ હાલત તરફ જઈ શકે છે. ટ્રેઝરીના લીક થયેલા રિપોર્ટ મુજબ બ્રિટિશરોના વેતન સ્થગિત કરી દેવા સાથે ટેક્સીસમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. બંધ થયેલી કેટલીક કંપનીઓ ફરી ખુલી નહિ શકે અને ચાન્સેલર રિશિ સુનાકની ફર્લો એક્સ્ટેન્શન યોજના હેઠલ વર્કર્સના વેતનમાં એમ્પ્લોયર્સે પણ ફાળો આપવાનો થશે.

ટ્રેઝરીના લીક થયેલા દસ્તાવેજ જણાવે છે કે કોરોના વાઈરસ મહામારી આ વર્ષે યુકેના માથે ૩૦૦ બિલિયન પાઉન્ડનો બોજો ઉભો કરશે અને ઈકોનોમીમાં વિશ્વાસ ઉભો થાય તે માટે વધુ સહાય પણ જાહેર કરવી પડશે. ચાન્સેલરના સંભવિત ડોક્યુમેન્ટમાં સૂચિત ટેક્સ વધારા અને ખર્ચામાં કાપ મૂકવાની વાત કરાઈ છે. વધેલા દેવાને સરભર કરવા સરકારે ૨૫થી ૩૦ બિલિયન પાઉન્ડની આવક ઉભી કરવી પડે તેમ છે જે, ઈન્ક્મ ટેક્સના બેઝિક રેટમાં ૫p વધારાની સમકક્ષ છે. ચાન્સેલર માટે તૈયાર કરાયેલા ડોક્યુમેન્ટમાં સરકારી પેન્શનમાં કાપ, જાહેર સેક્ટરમાં વેતન સ્થગિત કરવા, જાહેર ખર્ચા અને વેલ્ફેરમાં કાપ જેવા કરકસરના પગલાં પણ સૂચવાયા છે.

આના પરિણામે, ઈન્કમ ટેક્સ, VAT અને નેશનલ ઈન્સ્યુરન્સમાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત, કમાણીમાં વધારા અને ફૂગાવામાં વધારા સાથે સરકારી પેન્શનમાં વધારો થતો રહેશે તેવી ગેરન્ટી આપતા પેન્શન ટ્રિપલ લોકનો અંત પણ આવી શકે છે. NHS તેમજ સોશિયલ કેરને ધ્યાનમાં રાખી લેવીઝ અને નવા ગ્રીન ટેક્સીસની વિચારણા પણ થઈ રહી છે.

ડેઈલી ટેલિગ્રાફનો અહેવાલ જણાવે છે કે માર્ચના બજેટમાં જાહેર કરાયેલી ૫૫ બિલિયન પાઉન્ડની ખાધ સામે આ વર્ષે ૩૩૭ બિલિયન પાઉન્ડની ખાધનું જોખમ છે, જે અત્યંત ખરાબ હાલતમાં વધીને ૫૧૬ બિલિયન પાઉન્ડ થઈ શકે છે. જો ઈકોનોમીની હાલત સુધરશે તો પણ ખાધ ૨૦૯ બિલિયન પાઉન્ડ જેટલી થઈ શકે છે. ચાન્સેલર મહામારી કટોકટી પછી દેવાંની સપાટી સ્થિર રહે તેમ ઈચ્છે છે. ટ્રેઝરી ડોક્યુમેન્ટમાં ચેતવણી અપાઈ છે કે જે અર્થતંત્રમાં ઝડપી સુધારો નહિ આવે તો દેશ ૧૯૭૬ની સ્ટાઈલની સોવરિન ડેટ કટોકટીમાં ધકેલાઈ શકે છે જેમાંથી બહાર આવવા ઈન્ટરનેશનલ બેઈલઆઉટ જરુરી બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter