લંડનઃ નેટ ઝીરો પ્લાન પડતા મૂકવાના ટોરી સાંસદોના ઉગ્ર દબાણ છતાં વડાપ્રધાન રિશી સુનાક ચોક્કસ સમયમર્યાદામાં પેટ્રોલ અને ડીઝલ કારને તબક્કાવાર દૂર કરવા પ્રતિબદ્ધ છે. પેટ્રોલ અને ડીઝલ કારમાંથી ઇલેક્ટ્રિક કારમાં બળજબરીથી ટ્રાન્ઝિશનની યોજના આગામી થોડા સપ્તાહમાં જાહેર કરાશે. વડાપ્રધાન સ્વીકારે છે કે આ પ્રકારનો બદલાવ ઉદ્યોગજગતને નુકસાન કરી શકે છે.
સરકાર 2030 સુધીમાં નવી પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ અમલી બનાવવા પ્રતિબદ્ધ છે. સરકાર ઇલેક્ટ્રિક કાર માટેના વચગાળાના આકરા લક્ષ્યાંકોને પણ વળગી રહેવા માગે છે. જોકે તેના કારણે ઘણા બેચબેન્ચર ટોરી સાંસદો નારાજ થઇ રહ્યાં છે. અધિકારીઓને આશા છે કે પાંચ વર્ષમાં મોટી સંખ્યામાં નવી ઇલેક્ટ્રિક કારની જરૂર પડશે જેના કારણે ચાર્જિંગ પોઇન્ટ નેટવર્કના ઝડપી વિસ્તરણની પણ આવશ્યકતા રહેશે. કંપનીઓ માગને પહોંચી વળવા આકરી મહેનત કરી રહી છે.
કાર ઇન્ડસ્ટ્રી ઇચ્છે છે કે પબ્લિક ચાર્જિંગ પરનો વેટ 20 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દેવામાં આવે. ઘરમાં કરાતા ચાર્જિંગ પર પાંચ ટકા વેટની વસૂલાત કરાય છે.

