લંડનઃ ઈલેક્ટ્રિક વાહનોનાં વેચાણને પ્રોત્સાહન આપવા નવી પેટ્રોલ અને ડીઝલ કાર પરનો પ્રતિબંધ ૨૦૪૦ના બદલે ૨૦૩૨ સુધી આગળ લાવવા બ્રિટિશ સાંસદોએ તરફેણ કરી છે. પાર્લામેન્ટરી બિઝનેસ કમિટીએ ચેતવણી આપી છે કે લોકો ઈલેક્ટ્રિક કાર ખરીદતાં નથી તેમાં સૌથી મોટી અવરોધરુપ સમસ્યા ચાર્જિંગ પોઈન્ટ્સના અભાવનો ઉકેલ લાવવો જરુરી છે.
મિનિસ્ટરોએ જણાવ્યું છે કે ૨૦૪૦ સુધી તમામ નવી કાર અને વાન ઝીરો-એમિશન સાથે હોવી જોઈએ. એર પોલ્યુશનના મુખ્ય કારણરુપ ટ્રાન્સપોર્ટેશનને સ્વચ્છ બનાવવા પરંપરાગત પેટ્રોલ અને ડીઝલ કારનું વેચાણ બંધ કરવામાં આવશે. જોકે, કયા વાહનો વેચાશે અને કયા નહિ વેચાય તે પરત્વે કોઈ સ્પષ્ટતા નથી. સમિતિએ નેશનલ ચાર્જિંગ નેટવર્ક સ્થાનિક સત્તાવાળાઓ અને મખાનગી કંપનીઓ પર છોડવાના સરકારના વલણની આકરી ટીકા કરી હતી.
બીજી તરફ, કમ્બશ્ચન એન્જિન કારનો અંત લાવવાના લક્ષ્યમાં યુકે ઘણું પાછળ છે. નોર્વે સહિતના દેશો ૨૦૨૫થી આવી કાર પર પ્રતિબંધ લગાવવાના છે, જ્યારે ભારત, ચીન, નેધરલેન્ડ્સ અને આયર્લેન્ડનું લક્ષ્ય ૨૦૩૦ અને સ્કોટલેન્ડનું લક્ષ્ય ૨૦૩૨ રખાયું છે.


