પેડે ધીરાણ કંપની વોન્ગા આખરે એડમિનિસ્ટ્રેશનમાં મૂકાઈ

Wednesday 05th September 2018 03:19 EDT
 
 

લંડનઃ આસમાનને આંબતા વ્યાજદર માટે કુખ્યાત અને બ્રિટનની પારિવારિક દેવાં કટોકટીનું પ્રતીક બનેલી પેડે ધીરાણ લોન કંપની વોન્ગા સંખ્યાબંધ વળતર દાવાઓના પરિણામે ખાડે જઈ વહીવટદાર હસ્તક ગઈ છે. કંપની ખાડે જવાં સાથે પણ અંદાજે તેના ૨૦૦,૦૦૦ ગ્રાહકો ટુંકી મુદતની ૪૦૦ મિલિયન પાઉન્ડથી વધુની લોન્સના દેવાંદાર છે. જોકે, વહીવટદારોએ વોન્ગાની લોન બુક અન્ય ધીરાણકાર કંપનીને વેચાણ કરાય તેવી સંભાવના વચ્ચે કરજદારોને તેમની ચૂકવણીઓ ચાલુ રાખવા જણાવ્યું છે.

ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રી સાથે તાકીદની વાતચીતો પછી વોચડોગ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીએ વોન્ગા પર દેખરેખ ચાલુ રાખવા અને તેના ગ્રાહકોને ન્યાય મળે તેમ કરવા જણાવ્યું છે. અસલામત કરજદારોને અંકુશ બહાર જતી નાની લોન્સ આપી વોન્ગા તેમની પાસેથી ઘણી વખત ૫,૮૫૩ ટકા જેટલું ઊંચુ વ્યાજ વસૂલતી હતી. મિનિસ્ટર્સના હસ્તક્ષેપ પછી આ દર ૧૫૦૦ ટકા જેટલો રહ્યો છે.

કાર લોન્સ, ક્રેડિટ કાર્ડ્સ અને પર્સનલ લોન સહિત બ્રિટનનો વપરાશકારના કરજનો ડુંગર ૨૦૦ મિલિયન પાઉન્ડથી પણ વધુ છે. એક સમયે વોન્ગા સ્ટોક માર્કેટમાં તરતી મુકાય તેવી શક્યતા હતી. જોકે, વ્યાજદરો પર નિયંત્રણો આવતાં તેના બિઝનેસ મોડેલને ભારે નુકસાન પહોંચ્યું હતું. તેણે બાકી લોનના ગ્રાહકોને બનાવટી કાનૂની પત્રો લખ્યા પછી ૨૦૧૪માં તેને ઠપકો અપાયો હતો અને ગ્રાહકો દ્વારા વળતરની મોટા પાયે કાર્યવાહીઓ કરાઈ હતી. એક દાવાના પ્રોસેસિંગમાં કંપનીને ૫૫૦ પાઉન્ડનો ખર્ચ થતો હતો. પેડેરિફન્ડ્સ જેવી કંપનીઓ દ્વારા છ મહિનામાં જ ૮,૦૦૦ જેટલા ક્લેઈમ્સ કરાયા હતા. એક કાનૂની કાર્યવાહીમાં વોન્ગાને ૨.૬ મિલિયન પાઉન્ડનું વળતર ચુકવવા આદેશ કરાયો હતો.

સપ્ટેમ્બર ૨૦૧૭માં પ્રસિદ્ધ હિસાબોમાં વોન્ગાએ ૬૬.૫ મિલિયન પાઉન્ડની ખોટ દર્શાવી હતી. તેના ૨૨૦,૦૦૦ ગ્રાહકો પાસેથી બાકી લોન તરીકે ૪૩૦ મિલિયન પાઉન્ડ લેવાના નીકળતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter