લંડનઃ હોમ સેક્રેટરી એમ્બર રડે ટોરી કોન્ફરન્સ સમક્ષ નવા શ્રેણીબદ્ધ કડક માઈગ્રન્ટ નિયંત્રણોની માહિતી આપી હતી, જેમાં દેશની પેઢીઓને કેટલા વિદેશી કર્મચારીને નોકરીએ રાખ્યા છે તેની વિગતો માગવાનો સમાવેશ થાય છે. જોકે, આ દરખાસ્તનો ભારે વિરોધ થતા હોમ સેક્રેટરીએ કબૂલ્યું હતું કે યોજના પર પરામર્શ પછી તેને પડતી પણ મૂકાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે ઈમિગ્રન્ટ સમસ્યા ઉકેલવાને ‘રેસિસ્ટ’ ન કહી શકાય.
હોમ સેક્રેટરી રડે બ્રિટન આવતા લોકોની સંખ્યા પર નિયંત્રણો લાદવાની દરખાસ્તો કોન્ફરન્સમાં જાહેર કરી હતી. બિઝનેસિસ દ્વારા ઘરઆંગણાની પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટેની આ દરખાસ્તોમાં પેઢીઓમાં કેટલા વિદેશી નોકરીમાં છે તે જણાવવાનું કહેવાશે. અનેક બિઝનેસ જૂથો અને વિપક્ષી રાજકારણીઓએ આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.
જોકે હોમ સેક્રેટરીએ કહ્યું હતું કે ઈમિગ્રેશન અને તેના પર અંકુશો વિશે વાત ન થઈ શકે તેવી પરિસ્થિતિ દેશમાં નથી. અર્થતંત્રને ઉત્તેજન આપવા આપણને યુકેમાં કેવા કૌશલ્યની જરૂર છે, આપણે તેમની ભરતી ક્યાંથી કરી શકીએ તે બધા મુદ્દાઓ વિશે વાત તો થઈ જ શકે છે. બર્મિંગહામ યુનિવર્સિટીના ચાન્સેલર લોર્ડ કરણ બિલિમોરિયાએ બીબીસી-૪ રેડિયોને જણાવ્યું હતું કે રડની દરખાસ્તો ખરેખર આઘાતજનક છે. શેડો હોમ સેક્રેટરી એન્ડી બર્નહામે પણ પ્લાન્સનો વિરોધ કર્યો હતો.


