પેનોરામા ડોક્યુમેન્ટરીઃ ટ્રમ્પે બીબીસી પર 10 બિલિયન ડોલરનો માનહાનિનો દાવો ઠોક્યો

બીબીસીએ મારી બદનક્ષી કરી છે અને અનૈતિક બિઝનેસ ગતિવિધિઓમાં સામેલ છેઃ ટ્રમ્પ

Tuesday 16th December 2025 09:13 EST
 
 

લંડનઃ પેનોરામા ડોક્યુમેન્ટરીમાં 6 જાન્યુઆરી 2021ના રોજ કરેલા ભાષણના અંશ એડિટ કરીને પ્રસારિત કરવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીબીસી પર 10 બિલિયન ડોલરનો માનહાનિનો દાવો આખરે ઠોકી દીધો છે. અમેરિકન પ્રમુખનો દાવો છે કે બ્રિટિશ બ્રોડકાસ્ટરે મારી બદનક્ષી કરી છે અને અનૈતિક બિઝનેસ ગતિવિધિઓમાં સામેલ છે.

33 પાનાની ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે બીબીસીએ એવા પ્રકારની માહિતી પ્રસારિત કરી જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પને ખોટી, નુકસાન થાય તે રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ કવરેજ દ્વારા બીબીસીએ 2024માં યોજાયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીબીસીએ ટ્રમ્પના ભાષણના બે હિસ્સા એવી રીતે એડિટ કરીને પ્રસારિત કર્યા હતા જેના કારણે ટ્રમ્પ જે કહી રહ્યા છે તેનું ખોટું અર્થઘટન થાય.

નવેમ્બરમાં બીબીસીએ આ મામલામાં ટ્રમ્પની માફી માગી લીધી હતી પરંતુ ટ્રમ્પે કાયદાકીય પગલાની ધમકી આપ્યા બાદ જણાવ્યું હતું કે, અમે ટ્રમ્પની કોઇ માનહાનિ કરી નથી. બીબીસીના ચેરમેન સમીર શાહે આ મામલાને એરર ઓફ જજમેન્ટ ગણાવ્યો હતો. ટ્રમ્પના મામલા બાદ બીબીસીના બે ટોચના એક્ઝિક્યુટિવને રાજીનામા આપવાની ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter