લંડનઃ વિશ્વમાં ખળભળાટ મચાવી દેનારા પેન્ડોરા પેપર્સમાં યુકેના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને તેમના બેરિસ્ટર પત્ની શેરી બ્લેરનો પણ સમાવેશ થયો છે જેમણે ઓફશોર ફર્મ થકી લંડનની પ્રોપર્ટીની ખરીદીમાં ૩૧૨,૦૦૦ પાઉન્ડનો ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું. આ સોદામાં બ્લેર દંપતીએ ૨૦૧૭માં મિસ બ્લેરની કાનૂની સલાહકાર ફર્મની ઓફિસ તરીકે ખરીદેલા લંડન ટાઉનહાઉસ માટે સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવી ન હતી.
પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન અને તેમના પત્નીએ હારકોર્ટ સ્ટ્રીટ, મેરીલિબોન ખાતે ૬.૪૫ મિલિયન પાઉન્ડની કિંમતે ટાઉનહાઉસ ખરીદ્યું હતું જેનો ઉપયોગ શેરીની કાનૂની સલાહકાર ફર્મ ઓમ્નીઆ અને મહિલાઓ માટે તેમના ફાઉન્ડેશનની ઓફિસ તરીકે કરાવાનો હતો. બ્લેર દંપતીએ બિલ્ડિંગની સીધી ખરીદી કરવાના બદલે પ્રોપર્ટીની હોલ્ડિંગ કંપની ખરીદી હતી જેથી તેમણે તો ટેક્સ ચૂકવવાનો થતો ન હતો. આ સોદાથી બ્લેર દંપતી સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાંથી બચી ગયા હતા. જોકે, લીક દસ્તાવેજોમાં બ્લેર દંપતીએ સક્રિયપણે ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું કે ટ્રાન્ઝેક્શન ગેરકાયદે ન હતું તેવો કોઈ ઉલ્લેખ કરાયો નથી.
બ્લેર દંપતીએ ૨૦૦૭બમાં ડાઉનિંગ સ્ટ્રીટ છોડ્યા પછી પ્રોપર્ટીઝનો મલ્ટિમિલિયન પાઉન્ડનો પોર્ટફોલિયો ઉભો કર્યો છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ હારકોર્ટ સ્ટ્રીટ ખાતે ઓફિસ ખરીદ્યા પહેલા તેમણે ૩૮ રેસિડેન્સિયલ પ્રોપર્ટીઝ પાછળ ૩૦ મિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ કર્યો હતો.
લીક દસ્તાવેજોમાં એમ પણ જણાવાયું છે કે જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ બિન અલ-હુસૈને યુકે અને યુએસમાં પ્રોપર્ટી સામ્રાજ્ય ઉભુ કરવા ગુપ્તપણે ૭૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ખર્ચી છે. કિંગ ૧૯૯૯માં સત્તા પર આવ્યા તે પછી કેલિફોર્નિયા અને લંડનમાં પ્રોપર્ટીઝ સહિત ૧૫ ભવ્ય નિવાસસ્થાનો ખરીદવા બ્રિટિશ વર્જિન આઈલેન્ડ્સમાં ગુપ્ત માલિકીની ફર્મ્સના નેટવર્કનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે. કિંગ અબ્દુલ્લાહના લોયર્સે કશું ખોટું કર્યાનું નકારતા બીબીસીને જણાવ્યું હતું કે તેમણે પ્રોપર્ટીઝ ખરીદવા અંગત સંપત્તિનો ઉપયોગ કર્યો છે.
૯૦ દેશની પ્રખ્યાત સેલિબ્રિટીઝનાં નામ
પેન્ડોરા પેપર્સ લીકમાં યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, રશિયા, ચીન, ભારત અને પાકિસ્તાન સહિત ૯૦ દેશની સેલેબ્રિટીઝ, ધનકુબેર અને રાજનેતાઓના નામ સંકળાયેલા છે. સરકારોના મિનિસ્ટર્સ,જજીસ, મેયર્સ, મિલિટરી જનરલ્સ સહિતના આ નામોમાં યુકેના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર અને તેમના પત્ની શેરી બ્લેર, પોપસ્ટાર શકિરા, જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ, રશિયન પ્રમુખ પુતિનની કથિત ગર્લફ્રેન્ડ, કેન્યાના પ્રમુખ ઉહુરુ કેન્યાટા, ચેક રિપબ્લિકના વડા પ્રધાન આન્ડ્રેઝ બાબીસ, યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કી, ઈક્વેડોરના પ્રમુખ, આઝરબૈજાનના શાસક એલિયેવ પરિવાર, સાયપ્રસના પ્રમુખ નિકોસ અનાસ્તાસિયાડેશ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની નજીકનો નેતા અને મિનિસ્ટર મુનીસ ઈલાહી, તાઈવાનીઝ-કેનેડિયન બિલિયોનેર જોસેફ ત્સાઈ, મોડેલ ક્લાઉડિયા શીફર, ટર્કીશ કન્સ્ટ્રક્શન જાયન્ટ એરમાન ઈલિકાક, સોફ્ટવેર કંપની રેનોલ્ડ્સ એન્ડ રેનોલ્ડ્સના પૂર્વ સીઈઓ રોબર્ટ બ્રોકમાન, પોર્નહબના સહમાલિક ડૈવિડ ટાસિલ્લો, કેનેડિયન ઓલિમ્પિયન એલ્વિસ સ્ટોજ્કો, બ્રિટનની કોર્ટમાં પોતાને નાદાર ગણાવનારા ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી, મિડલમેન નીરા રાડિયા, લંડનની જેલમાંરહેલા જ્વેલર અને ડાયમન્ડ બિઝનેસમેન નિરવ મોદી અને તેની બહેન પૂર્વી મોદી, ક્રિકેટ ગોડ સચિન તેંડૂલકર, અભિનેત્રી મોનિકા બેલ્લુસીનો પણ સમાવેશ થયો છે.
હેરાફેરીથી બિલિયન્સ ડોલરની કરચોરી
પેન્ડોરા પેપર્સ લીક કરનાર ICIJના જણાવ્યા પ્રમાણે, દુનિયાના અમીર વેપારીઓ, રાજનેતાઓ અને સેલિબ્રિટીઓએ કેટલા નાણા-સંપત્તિની હેરાફેરી કરી એ ચોક્કસ જણાવવું મુશ્કેલ છે. જોકે, ICIJના અંદાજ પ્રમાણે સમગ્ર દુનિયામાં અંદાજે ૫.૬ ટ્રિલિયન ડોલરથી ૩૨ ટ્રિલિયન ડોલર સુધીના નાણા વિદેશમાં નાની-મોટી કંપની બનાવીને જમા કરવામાં આવ્યા છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડે જણાવ્યા મુજબ ટેક્સ હેવન્સના ઉપયોગથી દુનિયાની સરકારોએ અંદાજે ૬૦૦ બિલિયન ડોલર ગુમાવવા પડ્યા છે. નિષ્ણાતો કહે છે કે આની સીધી અસર દેશના લોકોના જીવન, બાળકોનાં શિક્ષણ અને સ્વાસ્થ્ય તેમજ દેશોની વિકાસ યોજનાઓ પર પણ થઈ શકે છે.
પેન્ડોરા પેપર લીકમાં દુનિયાના અંદાજે ૧૧.૯ મિલિયન ડોક્યુમેન્ટ્સ (કુલ ૨.૯૪ ટેરાબાઈટ્સ)ની તપાસ કર્યા પછી સમગ્ર વિશ્વમાં નાણાકીય હેરાફેરી અને લેતી-દેતી વિશે એક મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. આ ઘટસ્ફોટમાં છુપાવાયેલી સંપત્તિ, ટેક્સથી બચવાની પદ્ધતિઓ, દુનિયાના અમીર અને શક્તિશાળી લોકો દ્વારા મની લોન્ડરિંગનો ખુલાસો કરાયો છે. પેરિસસ્થિત ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દ્વારા ૨૦૨૦માં કરાયેલા અભ્યાસ મુજબ ઓછામાં ઓછી ૧૧.૩ ટ્રિલિયન ડોલરની સંપત્તિ ઓફશોર કંપનીઓમાં રહેલી છે.
ICIJના જણાવ્યા અનુસાર વિશ્વભરના ૩૩૦થી વધુ રાજકારણીઓ, ૩૫ વિશ્વનેતાઓ (પૂર્વ અને વર્તમાન) તેમજ ૩૦૦થી વધુ બિલિયોનેર્સની કાયદાની નજરથી છૂપાવેલી અપાર સંપત્તિ અને નાણાકીય રહસ્યોને ઉજાગર કરતા દસ્તાવેજોનો ખજાનો ૨૯,૦૦૦થી વધુ ઓફશોર કંપનીઓના સાચા માલિકોની ઓળખ જાહેર કરે છે. આ માલિકો ૨૦૦થી વધુ દેશો અને પ્રદેશોમાંથી આવે છે અને તેમાં સૌથી વધુ હિસ્સો રશિયા, યુકે, આર્જેન્ટિના અને ચીનનો છે. બીબીસી રિપોર્ટમાં જણાવ્યા મુજબ પેન્ડોરા પેપર્સ લીકમાં ૬.૪ મિલિયન દસ્તાવેજ, અંદાજે ૩ મિલિયન તસવીરો, અંદાજે ૧ મિલિયનથી વધુ ઈમેલ્સ અને અંદાજે ૫૦૦,૦૦૦ સ્પ્રેડશીટ સામેલ છે.