પેન્શન ફંડોને બચાવવા બેન્ક ઓફ ઇંગ્લેન્ડે હાથ ઊંચા કરી દીધાં

પોતાના ફાઇનાન્સ સેટલ કરી દેવા બેન્કે ફંડોને 3 દિવસનો સમય આપ્યો

Wednesday 19th October 2022 04:45 EDT
 
 

લંડન

વ્યાજદરોમાં થઇ રહેલા વધારાના કારણે સંકટમાં સપડાયેલા બ્રિટનના પેન્શન ફંડોને હવે વધુ સહાય કરવાનો બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ઇનકાર કરી દેતાં પેન્શન ફંડો મોટી મુશ્કેલીમાં સપડાયાં છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે, અમે 14મી ઓક્ટોબરથી પેન્શન ફંડોને અપાતી મદદ બંધ કરી રહ્યાં છીએ. બેન્ક ઓફ ઇંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રુ બેઇલીના આ ફતવા બાદ 20 અને 30 વર્ષના ગિલ્ટ પરના વ્યાજદર છેલ્લા 20 વર્ષની ટોચની સપાટી પર પહોંચી ગયાં હતાં. બેઇલીએ પેન્શન ફંડોને તેમના એકાઉન્ટ સેટલ કરવા માટે 3 દિવસનો સમય આપ્યો હતો. લિઝ ટ્રસ સરકારના મિનિ બજેટ બાદ બોન્ડ પરના વ્યાજદર પાંચ ટકાની આસપાસ પહોંચી ગયાં છે. ગવર્નરની આ જાહેરાત બાદ ડોલરની સામે પાઉન્ડની કિંમત ઘટીને 1.10 ડોલર પર આવી ગઇ હતી જે છેલ્લા કેટલાક સપ્તાહની સૌથી નીચી સપાટી છે.

બજારની અસ્થિરતા માટે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ જવાબદાર – જેકબ રીસ મોગ

પેન્શન ફંડો માટે સર્જાયેલા પડકાર મુદ્દે લિઝ સરકારના બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ મોગ બેન્ક ઓફ ઇંગ્લેન્ડને જ જવાબદાર ગણાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં બજારમાં સર્જાયેલી અસ્થિરતા માટે સરકારનું મિની બજેટ જવાબદાર નથી. બજારની અંધાધૂંધી માટે સરકારની આર્થિક નીતિ નહીં પરંતુ વ્યાજદર વધુ જવાબદાર છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે અમેરિકાની જેમ ઝડપથી વ્યાજદરમાં વધારો કર્યો નહોતો. બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરમાં 0.50 ટકાના સ્થાને 0.75 ટકાનો વધારો કર્યો હોત તો આ પ્રકારની સ્થિતિ સર્જાઇ ન હોત. બજારોમાં સુચારુ રીતે કામગીરી ચાલતી રહે તેની જવાબદારી બેન્ક ઓફ ઇંગ્લેન્ડની છે. પેન્શન ફંડોની આજની સ્થિતિ માટે તેમના દ્વારા કરાતા ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણો પણ જવાબદાર છે.

 વ્યાજદરમાં ધારણા કરતાં વધુનો વધારો થશે – બેન્ક ઓફ ઇંગ્લેન્ડની ચેતવણી

બેન્ક ઓફ ઇંગ્લેન્ડે ચેતવણી આપી છે કે ફુગાવાના દરને નિયંત્રણમાં રાખવા માટે ધારણા કરતાં વધુનો વધારો કરવાની ફરજ પડશે. બેન્કના ગવર્નર એન્ડ્રુ બેઇલીએ જણાવ્યું હતું કે, ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટે અમે વ્યાજદરોમાં ગમે તેટલો વધારો કરતાં ખચકાઇશું નહીં. આ માટે મેં નવા ચાન્સેલર જેરેમી હન્ટ સાથે પણ ચર્ચા કરી લીધી છે. બેન્ક 3 નવેમ્બરે નવા વ્યાજદરની ઘોષણા કરવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter