લંડનઃ સરકારના પેન્શન સુધારાનો સૌથી વધુ લાભ ૫૫થી વધુ વર્ષના બચતકારો લઈ રહ્યા છે. ઘરમાં સુધારાવધારા, રજાઓ ગાળવા જવું કે મોર્ગેજની ચુકવણી કરવી સહિતના કાર્યો માટે પેન્શનરો બચતને ખર્ચી રહ્યા છે. એપ્રિલ ૨૦૧૪માં ચાન્સેલર ઓસ્બોર્ને ૫૫થી વધુ વયના કામદારોને તેમની બચત અમર્યાદિતપણે રોકડમાં મેળવવાની સુવિધા આપવા સાથે એન્યુઈટી ખરીદવાની જરૂરિયાત રદ કરી હતી.
બ્રિટનની સૌથી મોટી પેન્શન કંપનીઓમાં ૯૫ કંપનીઓએ આપેલી માહિતી અનુસાર પેન્શન પોટ રોકડમાં લેવાની સુવિધાનો લાભ લેવામાં ૫૫-૫૯ વયજૂથના બચતકારો સૌથી આગળ છે. સત્તાવાર આંકડા સૂચવે છે તેમ તેઓની બચત મોર્ગેજની પૂર્ણ ચુકવણી, પોતાના ઘરના સમારકામ કે સુધારાવધારા અને વિદેશમાં રજાઓ ગાળવા પાછળ વધુ ખર્ચાય છે.


