પેન્શન સ્કીમ બંધ કરવાની ટાટા સ્ટીલની યોજના

Wednesday 16th November 2016 06:05 EST
 

લંડનઃ ટાટા સ્ટીલ ગોલ્ડ પ્લેટેડ ફાઈનલ સેલરી સ્કીમને જીવંત રાખવા માટે £૬૦ મિલિયનની રકમ ભરતા પહેલા જ પેન્શન સ્કીમ બંધ કરે તેવી શક્યતા છે. કંપનીના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિનાના અંત સુધીમાં સ્કીમ બંધ કરવાની જાહેરાત થઈ શકે અને તે પછી ૬૦ દિવસ ચર્ચા વિચારણા થશે. આ સ્કીમ પેન્શન પ્રોટેક્શન ફંડ (PPF) માં ભળી જાય તેવી આશંકા છે. તેનાથી નિવૃત્ત કર્મચારીઓને મળવાપાત્ર રકમને ભારે અસર થઈ શકે. ટાટા તેની નૈતિક અને સામાજીક જવાબદારીમાંથી છટકવા માગે છે તેમ જણાવી યુનિયન દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ હતી.

જેગઆર લેન્ડ રોવરની પણ માલિકી ધરાવતી ભારતની જાયન્ટ કંપની ટાટાની વાટાઘાટો જર્મનીની હરીફ કંપની થીસ્સેનકૃપ સાથે તેના યુરોપિયન સ્ટીલ ઉદ્યોગના વિલિનીકરણ માટે ચાલી રહી છે. પરંતુ, £૧૫ બિલિયનની બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કીમ તેમાં અવરોધરૂપ હોવાનું મનાય છે, કારણ કે થીસ્સેનકૃપ તેની જવાબદારી પોતાના માથે લેવા માગતી નથી.

સ્કીમ બંધ કરવાની દિશામાં પ્રથમ પગલા તરીકે કંપની નવું યોગદાન અટકાવવા વિચારણા કરી રહી છે. કંપનીએ આગામી ૩૧ માર્ચ પહેલા પેન્શન પોટમાં £૬૦ મિલિયન અને આવતા વર્ષે £૬૦ મિલિયન જમા કરાવવાની ખાતરી આપી હતી. હવે, સ્કીમ જ બંધ કરવાની હશે તો કંપની આ રકમ ભરશે નહિ.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બિઝનેસના સાતત્યપૂર્ણ ભવિષ્યને સમર્થન આપે તેવા વિકલ્પ ઘડી કાઢવા માટે અને બ્રિટિશ સ્ટીલ પેન્શન સ્કીમના ખર્ચ, જોખમ અને અસ્થિરતાના ઉકેલ માટે સંબંધિત તમામ હિસ્સેદારોના સંપર્કમાં છે અને વાટાઘાટો કરી રહી છે. કંપની દ્વારા ચૂકવવામાં આવનારી પેન્શનની રકમ રિટેઈલ પ્રાઈસ ઈન્ડેક્સ ફુગાવાની સાથે વધતી રહી છે. જોકે, તેને લોઅર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ સાથે સાંકળવામાં આવે તેવો એક વિકલ્પ પણ છે.

ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા સ્કીમના ભવિષ્ય અંગે મસલત શરૂ કરાઈ છે. કંપનીના શિરે પેન્શનની મોટી જવાબદારી લટકતી હોવાં છતાં તેની નાણાકીય હાલતમાં સુધારો થયો છે. બ્રેક્ઝિટના કારણે પાઉન્ડની કિંમત ઘટવાથી તેની ખાધ ૩૦૦ મિલિયન પાઉન્ડથી ઘટીને ૫૦ મિલિયન પાઉન્ડ રહી છે. બોન્ડ માર્કેટ અને વિદેશી શેર્સના વેચાણથી પણ તેને પ્રોત્સાહન મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter