સ્પ્રિંગ બજેટમાં પેન્શન નિયમોમાં મોટા બદલાવની ચાન્સેલરની જાહેરાતના પગલે લાખો કર્મચારીઓના પેન્શનની બચતમાં મોટો વધારો થશે. ચાન્સેલર જેરેમી હન્ટે તેમના બજેટમાં લાઇફટાઇમ પેન્શન એલાઉન્સ (એલટીએ) નાબૂદ કરવાની જાહેરાત કરી છે જેથી લોકો લાંબો સમય સુધી નોકરી કરતાં રહે. હાલમાં એલટીએની મર્યાદા 1.07 મિલિયન પાઉન્ડ છે જેમાં આ મર્યાદા વટાવી ગયા બાદ બચતકર્તાએ ટેક્સ ચૂકવવો પડે છે પરંતુ હવે ચાન્સેલરે ટેક્સ ફ્રી પેન્શન પરના એલટીએને નાબૂદ કરી દીધો છે. એલટીએ સૌપ્રથમ 2006માં લાગુ કરાયું હતું જેમાં 1.5 મિલિયન પાઉન્ડની મર્યાદા રખાઇ હતી. ત્યારબાદ તેને 2012માં વધારીને 1.8 મિલિયન પાઉન્ડ કરાયું હતું. હાલની એલટીએ મર્યાદા 2026 સુધી અમલમાં હતી.
જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, પેન્શન માટેનો એન્યુઅલ એલાઉસ રેટ 50 ટકા વધારીને 40,000 પાઉન્ડથી 60,000 પાઉન્ડ કરાશે. તેનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિ ટેક્સમાં સંભવિત વધારા પહેલાં દર વર્ષે આટલી રકમની બચત કરી શકશે. કેટલાક લોકોએ મને એલટીએની મર્યાદા 1 મિલિયન પાઉન્ડથી વધારવા વિનંતી કરી હતી પરંતુ મેં તેમ ન કરવાનો નિર્ણય લીધો છે. તેના સ્થાને હું એલટીએ જ નાબૂદ કરવા જઇ રહ્યો છું.
એપ્રિલ 2023થી લાઇફટાઇમ એલાઉન્સ ચાર્જ રદ કરી દેવાશે અને એપ્રિલ 2024થી સંપુર્ણુપણે નાબૂદ કરી દેવાશે.
જોકે ટીકાકારોનો આરોપ છે કે લાઇફટાઇમ એલાઉન્સમાં વધારો ફક્ત અમીર કર્મચારીઓને જ લાભ કરાવશે. હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મેરે જણાવ્યું હતું કે, પેન્શનમાં કરરાહતોના કારણે દેશના ફક્ત 1 ટકા અમીરોને જ લાભ થશે. પેન્શન ફંડમાં બે મિલિયન પાઉન્ડની રકમ ધરાવતી વ્યક્તિને કરવેરામાં 2,75,000 પાઉન્ડની રાહત મળશે. જોકે અન્યોએ આ પગલાંનો આવકાર કરતાં જણાવ્યું હતું કે તેનાથી પેન્શન સિસ્ટમ સરળ બનશે.


