પેન્શનર શાહ દંપતી સાથે તેમની જીવનભરની બચત £૧૯૦,૦૦૦ની ઠગાઈ

Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ લુટનના પેન્શનર દંપતી નરેશભાઈ અને મધુબહેન શાહ સાથે ૧૯૦,૦૦૦ પાઉન્ડની બચતની છેતરપીંડી કરવામાં આવી હતી, જેનો ઉપયોગ તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં કરવાનાં હતાં. શાહ દંપતીએ સેન્ટેન્ડર બ્રાન્ચમાંથી મોટી રકમો ઉપાડી ઠગના હાથમાં સોંપી દીધી હતી અને હવે તેઓને નાણા પરત મળે તેવી શક્યતા જણાતી નથી. આવી આઘાતજનક કથાએ બેન્ક ગ્રાહકોના નાણાની સલામતી વિશે ગંભીર પ્રશ્નો ઉભાં કર્યાં છે.

૬૪ વર્ષના નરેશભાઈ શાહ અને તેમના ૬૨ વર્ષીય પત્ની મધુબહેન શાહે આઠ સપ્તાહના ગાળામાં ૩૨ જેટલા ટ્રાન્ઝેક્શન થકી તેમના સેન્ટેન્ડર એકાઉન્ટમાંથી આશરે ૧૯૦,૦૦૦ પાઉન્ડ ઉપાડ્યાં હતાં અને તેઓ PPI પેઆઉટ માટે પાત્ર હોવાનો દાવો કરનારા ઠગના ખાતામાં આશરે ૧૭૦,૦૦૦ પાઉન્ડ જમા કરાવ્યાં હતાં. તેમને ઠગારા દ્વારા સતત એમ કહેવાતું હતું કે તેઓ ૫,૦૦૦ પાઉન્ડની PPI ચૂકવણીઓ માટે લાયક બની જશે.

શાહ દંપતીએ બીબીસી રેડિયો ફોરના મની બોક્સ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પોતાને ‘જેમ્સ સિલ્વા’ નામે ઓળખાવતા ધૂતારાએ તેમને છેતર્યાં હતાં. મધુબહેન શાહે કહ્યું હતું કે, ‘હું એકલી પડી ગઈ છું. મેં બધું ગુમાવી દીધું છે અને મારાં પરિવારનો સામનો પણ કરી શકતી નથી.’ શાહ દંપતીના ભત્રીજા નિરજ શાહે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,‘મારા કાકીએ જીવનભર સખત મહેનત કરી હતી. તેમણે એશોઆરામની જીંદગી જીવી જ નથી. મારે શાંતિથી તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું કહેવું પડ્યું હતું, જે સાંભળી તેમના ચહેરાં પડી ગયાં હતાં. મારે તેમને આ કહેવું પડ્યું તેનું મને પણ દુઃખ છે.’

આ ઠગારો હજુ પકડાયો નથી તેથી તેનું કૌભાંડ ચાલુ જ રહ્યું હશે તેમ કહેતા ૩૬ વર્ષીય એકાઉન્ટન્ટ નિરજ શાહે ઉમેર્યું હતું કે તેમણે પોલીસમાં ફરિયાદ કરી છે પરંતુ, એક મહિનો થવાં છતાં તેમણે કોઈ પગલાં લીધાં નથી. કાકા-કાકી પાસે કોર્ટની કાર્યવાહી માટે પણ નાણા નથી.

સેન્ડેન્ડર દ્વારા કહેવાયું છે કે તે આ ઘટનાની તપાસ કરી રહેલ છે પરંતુ તેમના સ્ટાફ દ્વારા બધી પ્રોસીજર અનુસરાઈ હતી. ૧,૫૦૦ પાઉન્ડથી વધુ રકમના દરેક ઉપાડ વખતે ફ્રોડની ચેતવણી આપવામાં આવે છે. જોકે, આ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન્સ જાણકારી સાથે કરાયા હોવાથી ટેક્નિકલ રીતે તેને ફ્રોડ ગણી શકાય તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter