લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના કમાણીના આંકડા અનુસાર, આગામી એપ્રિલ મહિનાથી સ્ટેટ પેન્શન વાર્ષિક 488 પાઉન્ડના વધારા સાથે 13,036.40 પાઉન્ડ સુધી પહોંચવાની શક્યતા છે. સરકારની ટ્રિપલ લોક નીતિ હેઠળ પેન્શનની રકમમાં સરેરાશ વેતન વૃદ્ધિ, ફુગાવો અથવા 2.5 ટકા એ ત્રણમાંથી જે સૌથી વધુ હોય તેના આધારે વાર્ષિક વધારો કરવામાં આવે છે. હાલમાં મે થી જુલાઈ દરમિયાન બોનસ સહિત સરેરાશ વેતન વૃદ્ધિ 3.9 ટકા નોંધાઈ છે જે મોંઘવારી દર કરતાં વધુ છે.
એપ્રિલ 2016 પછી નિવૃત્ત થયેલા લોકો માટે નવું ફ્લેટ-રેટ સ્ટેટ પેન્શન સપ્તાહના 250.70 પાઉન્ડ અથવા વર્ષના 13,036.40 પાઉન્ડ થવાની શક્યતા છે, જે 488 પાઉન્ડનો વધારો દર્શાવે છે. એપ્રિલ 2016 પહેલાં નિવૃત્ત થયેલા લોકો માટે જૂનું બેઝિક સ્ટેટ પેન્શન સપ્તાહના 192.10 પાઉન્ડ અથવા વર્ષના 9,989.20 પાઉન્ડ થવાની શક્યતા છે.
પેન્શનમાં 3.9 ટકાનો વધારો થશે, તો નવું સ્ટેટ પેન્શન 12,570ની કરમુક્ત મર્યાદાને વટાવી જશે, જેના કારણે તે ઇનકમ ટેક્સને પાત્ર બનશે.

