લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના સંશોધકોએ લોકો ચોક્કસ ઉંમરે પહોંચ્યા પછી કેટલું લાંબુ જીવી શકે તેની ગણતરી કરી છે. જોકે, તેમનું આયુષ્ય વધવા સાથે તેમની તંદુરસ્તીમાં ઘટાડો પણ જોવા મળ્યો છે. તેના ડેટા અનુસાર ૬૦-૬૯ વયજૂથના લોકો માટે અપેક્ષિત આયુમર્યાદા સૌથી ઊંચી જણાઈ હતી. આ સંશોધન લગભગ તમામ વયના સ્ત્રી અને પુરુષ માટે સૌથી ઊંચી અપેક્ષિત આયુમર્યાદાના આંકડા દર્શાવે છે. ૬૫ વર્ષના સ્ત્રી અને પુરુષ બન્ને માટે ૨૦૧૩ અને ૨૦૧૪માં અપેક્ષિત આયુમર્યાદામાં ૦.૩ વર્ષ અને તેનાથી વધુ વયના સ્ત્રી-પુરુષ માટે ૦.૨ વર્ષનો વધારો થયો છે.
આ અભ્યાસ અનુસાર જે પુરુષો ૬૫ વર્ષની વયે પહોંચે તે વધુ ૧૯ વર્ષ, ૭૫ની વયના પુરુષ વધુ ૧૨ વર્ષ, ૮૫ વર્ષની વયે વધુ છ વર્ષ અને ૯૫ વર્ષની વયે વધુ ત્રણ વર્ષ જીવવાની આશા રાખી શકે છે. આ જ રીતે ૬૫ વર્ષની વયે પહોંચેલી સ્ત્રી વધુ ૨૧ વર્ષ, ૭૫ ની વયની સ્ત્રી વધુ ૧૩ વર્ષ, ૮૫ વર્ષની વયે વધુ સાત વર્ષ અને ૯૫ વર્ષની વયે વધુ ત્રણ વર્ષ જીવવાની આશા રાખી શકે છે. ૮૫ વર્ષની વયે પહોંચેલી સ્ત્રી માટે અપેક્ષિત આયુમર્યાદા ૨૦૧૧ના પ્રમાણ જેટલી જ રહી છે એટલે કે તેમાં વધારો કે ઘટાડો થયો નથી.


