લંડનઃ અંગ્રેજીને બીજી ભાષા તરીકે બોલતાં બાળકોની સરખામણીએ ગોરા બ્રિટિશ માતાપિતાના સંતાનોનું GCSEમાં પરિણામ નબળું હોવાનું થિન્ક ટેન્ક સેન્ટરફોરમના રિપોર્ટમાં જણાવાયું છે. બ્રિટિશ બાળકો તેમના ક્લાસમેટ્સની સાથે જ સ્કૂલ લેવલનો આરંભ કરે છે, પરંતુ ૧૬ વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં અન્ય વંશીય જૂથોની સરખામણીએ ઘણા પાછળ પડી જાય છે. આવતા વર્ષે સપ્ટેમ્બરમાં નવી GCSE ગ્રેડિંગ સિસ્ટમ અમલી બનશે ત્યારે ગ્લોબલ લીગ ટેબલ્સમાં પાછળ રહેતા બ્રિટિશ બાળકોની નબળાઈ વધુ દેખાઈ આવશે.
ઈમિગ્રન્ટ પરિવારો તેમના બાળકોના હોમવર્કની તથા નિદ્રાના સમયની દેખરેખ રાખવામાં વધુ સારા હોય છે. તેઓ પેરેન્ટ્સ ઈવનિંગમાં ભાગ લેતા હોય છે અને એક પરિવાર તરીકે સાથે મળીને જમતા હોય છે. બીજી તરફ, ગોરા માતાપિતા પોતાના બાળકો માટે મહત્વાકાંક્ષી હોવાનો માત્ર આડંબર કરે છે. સંસ્થાના એક્ઝિક્યુટિવ ચેરમેન ડેવિડ લોઝે જણાવ્યું હતું કે વંશીય લઘુમતી જૂથો તકનો લાભ લેવામાં આગળ રહે છે, જ્યારે વ્હાઈટ બ્રિટિશ બાળકોની ક્ષમતાને ચોક્કસ કશુંક થઈ જાય છે.
ઈંગ્લિશ સ્કૂલોમાં બ્રિટિશ વિદ્યાર્થીઓની સરખામણીએ ચીની વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં એકંદરે બે ગ્રેડ ઊંચા મેળવ્યા હતા. પાંચ વર્ષની વય સુધી લગભગ ૭૦ ટકા બ્રિટિશ વિદ્યાર્થીઓના વિકાસનું પ્રમાણ સારું હતું, પરંતુ તેમાંથી માત્ર ૪૦ ટકા બ્રિટિશ ટીનેજરો જ GCSEમાં સારું પરિણામ લાવી શક્યા હતા.
અંગ્રેજી, ગણિત, સાયન્સ, હ્યુમેનિટીઝ અને એક ભાષા સહિત આઠ વિષયોની નવી GCSEમાં ૨૦૩૦ સુધીમાં લગભગ ૭૫ ટકા વિદ્યાર્થીઓ પાસ થશે તેમ રિપોર્ટમાં જણાવાયું છે. અત્યારે આ પ્રમાણ માત્ર ૩૮ ટકા છે. ગણિત અને અંગ્રેજીમાં માત્ર એક તૃતિયાંશ એટલે કે ૩૩ ટકા વિદ્યાર્થીઓ જ સારો દેખાવ કરી શકશે તેવો રિપોર્ટનો અંદાજ છે. અગાઉ આ પ્રમાણ ૬૦ ટકા જેટલું હતું.


