પેરિયાસામી કુમારન યુકે ખાતે ભારતના નવા હાઇ કમિશ્નર

1992ની બેચના આઇએફએસ કુમારન વિવિધ દેશોમાં વ્યાપક રાજદ્વારી અનુભવ ધરાવે છે

Tuesday 31st March 2026 10:16 EDT
 
 

લંડનઃ ભારતના વિદેશ મંત્રાલયે હાલમાં સેક્રેટરી ઇસ્ટ તરીકે ફરજ બજાવતા પેરિયાસામી કુમારનની યુકે ખાતે ભારતીય હાઇ કમિશ્નર તરીકે નિયુક્તિની જાહેરાત કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, 1992ની બેચના આઇએફએસ અધિકારી કુમારન હાલ નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય ખાતે સચિવ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. તેઓ ટૂંકસમયમાં પોતાનો કાર્યભાર સંભાળી લેશે.

કુમારન વિવિધ દેશોમાં વ્યાપક રાજદ્વારી અનુભવ ધરાવે છે. તેમણે તેમની કારકિર્દીનો પ્રારંભ 1994માં ઇજિપ્તના કેરો સ્થિત ભારતીય દૂતાવાસમાં થર્ડ સેક્રેટરી તરીકે કર્યો હતો. 1997માં તેમને ત્રિપોલી અને 2001માં બ્રસેલ્સ ખાતે નિયુક્ત કરાયા હતા. વર્ષ 2003થી 2005 તેમણે વિદેશ મંત્રાલયમાં ડેપ્યુટી સેક્રેટરી (યુરોપ વેસ્ટ), 2005થી 2007 બેંગાલુરૂમાં રિજિયોનલ પાસપોર્ટ ઓફિસર, 2007થી 2009 ઇસ્લામાબાદમાં કાઉન્સેલર, 2009થી 2011 વોશિંગ્ટનમાં કાઉન્સેલર અને 2011થી 2014 સુધી કોલંબોમાં ડેપ્યુટી હાઇ કમિશ્નર તરીકે સેવા આપી હતી.

2014થી 2016 દરમિયાન તેમણે વિદેશ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી, 2016થી 2020 કતાર ખાતે ભારતીય એમ્બેસેડર અને 2020થી 2023 સિંગાપોર ખાતે ભારતીય હાઇ કમિશ્નર તરીકે ફરજ બજાવી હતી. જુલાઇ 2023માં તેમને વિદેશ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયા હતા. ત્યારબાદ તેમને સ્પેશિયલ સેક્રેટરીનું પ્રમોશન અપાયું હતું. 1 એપ્રિલ 2025થી તેઓ સેક્રેટરી (ઇસ્ટ) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. કુમારન યુકેમાં વિક્રમ દોરાઇસ્વામીના સ્થાને નિયુક્ત થયા છે. દોરાઇસ્વામીને ચીનના રાજદૂત તરીકે નિયુક્ત અપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter