લંડનઃ લાંબા સમયથી રાહ જોવાય છે તે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના જીર્ણોદ્ધાર પાછળ 22 બિલિયન પાઉન્ડનો ખર્ચ અંદાજાયો છે અને આ કાર્ય 76 વર્ષ સુધી ચાલી શકે છે. પાર્લામેન્ટના બે ગૃહોને સમાવતા અને અત્યંત ખરાબ હાલતમાં આવી ગયેલા પેલેસના રિનોવેશન માટે ત્રણ વિકલ્પો સૂચવાયા છે. ઈમારતમાં લોકો જેટલો લાંબો સમય રહેશે તેટલો વધુ સમય અને નાણા આ પ્રોજેક્ટ પાછળ ખર્ચાશે તેમ એક રિપોર્ટમાં જણાવાયું છે.
હાઉસીસ ઓફ પાર્લામેન્ટ રિસ્ટોરેશન એન્ડ રીન્યુઅલ પ્રોગ્રામ (R&R)ના રિપોર્ટ મુજબ પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના જીર્ણોદ્ધાર પાછળ 22 બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડે તેમ છે. રિપોર્ટમાં ત્રણ વિકલ્પ સૂચવાયા છે જે મુજબ (1) જો પેલેસ સંપૂર્ણ ખાલી કરાવાય તો રિસ્ટોરેશન કામકાજ પાછળ 7થી 13 બિલિયન પાઉન્ડ ખર્ચ અને 19થી 28 વર્ષનો સમયગાળો, (2) જો કોમન્સને લોર્ડ્સમાં ખસેડાય તો 9.5થી 18.5 બિલિયન પાઉન્ડનો ખર્ચ અને 19થી 28 વર્ષનો સમયગાળો અને (3) જો કોમન્સનું સ્થાન યથાવત રખાય તો 11થી 22 બિલિયન પાઉન્ડનો ખર્ચ અને 46થી 76 વર્ષ સુધીનો સમયગાળો લાગી શકે છે.
ગ્રેડ 1 લિસ્ટેડ ઈમારતમાં એસ્બેસેટોસ, લીક થતી પાઈપ્સ અને જાળવણી પાછળ લાખો પાઉન્ડના ખર્ચની સમસ્યાઓ છે. ગયા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરના ગાળામાં સ્પીકરના એપાર્ટમેન્ટમાં જીવલેણ પદાર્થ એસ્બેસ્ટોસની હાજરી મળી આવતાં ચાલતી કામગીરીને ત્રણ દિવસ અટકાવી દેવી પડી હતી. પાર્લામેન્ટરી સ્ટાફની 9 વ્યક્તિ અને વધુ પ્રમાણમાં કોન્ટ્રાક્ટર્સ એસ્બેસ્ટોસના સંપર્કમાં આવ્યા હતા.
રિસ્ટોરેશન એન્ડ રીન્યુઅલ યોજના હેઠળ પેલેસમાંથી એસ્બેસ્ટોર દૂર કરવો, આગનું જોખમ ઘટાડવું તેમજ પાવર, સ્યુએજ, પાણી, ગેસ, હીટિંગ અને ડેટા કેબલ્સના નેટવર્ક્સ સંબંધિત મહત્ત્વપૂર્ણ સુધારા હાથ ધરવાના છે.


