પેસેન્જરને વળતરના વિવાદમાં એર ઈન્ડિયાની તરફેણમાં ચુકાદો

Thursday 30th December 2021 05:04 EST
 
 

લંડનઃ ઈંગ્લિશ કોર્ટ ઓફ અપીલે એવિયેશન ઈન્ડસ્ટ્રી સંદર્ભે મહત્ત્વપૂર્ણ ચુકાદો એર ઈન્ડિયા લિમિટેડની તરફેણમાં આપ્યો છે. અગાઉ પેસેન્જર સાથેના વિવાદમાં ડિસ્ટ્રિક્ટ જજે એર ઈન્ડિયાની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો જેને માસ્ટર ઓફ રોલ્સ સર જ્યોફ્રી વોસના વડપણ હેઠળની કોર્ટ ઓફ અપીલે ફગાવ્યો છે. આ કેસમાં વિજય સાથે એર ઈન્ડિયાએ કોવિડ-૧૯ના કારણે મુશ્કેલીમાં આવી પડેલી આંતરરાષ્ટ્રીય એવિયેશન ઈન્ડસ્ટ્રીને ગંભીર ફટકો વાગવાથી બચાવી લીધી છે.

બ્રેક્ઝિટ પછી ઈંગ્લિશ કોર્ટ્સને ઈયુ કાયદાઓ પર નિર્ણય આપવા જણાવાયું છે તેમાંનો આ મહત્ત્વનો કેસ છે. આ વિવાદ સિંગલ બૂકિંગ માટે EU/UK જ્યુરિડિક્શન હેઠળના એક પ્રવાસ તબક્કામાં ઈયુ કોમ્પેન્સેશન રેગ્યુલેશન્સને લાગુ પાડવા સંબંધિત હતો. આ કેસમાં મહિલા પ્રવાસી કનકા ચેલ્લુરીની ફ્લાઈટ હીથ્રો એરપોર્ટ પરથી મોડી ઉડવાથી આખરી સ્થળ મુંબાઈ પહોંચવામાં ૪૮ કલાક જેટલો વિલંબ થયો હતો. ચેલ્લુરી યુએસના કેન્સાસ સિટીથી યુકેના લંડન થઈને ભારતના મુંબાઈથી બેંગલુરુ જઈ રહી હતી.

લાંબી સુનાવણી પછી કોર્ટ ઓફ અપીલે ઠરાવ્યું હતું કે અગાઉના યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ચુકાદા હેઠળ એક જ બૂકિંગ હેઠળ અનેક તબક્કાના પ્રવાસને સિંગલ-યુનિટ તરીકે સમર્થન અપાયું હતું. એર ઈન્ડિયાની સફળ દલીલ એવી હતી કે આ કેસને પણ આ સિદ્ધાંત લાગુ નહિ પાડવાનું કોઈ કારણ નથી. પ્રવાસીના ઉડ્ડયનનો પ્રથમ તબક્કો બીન-યુકે/બીન ઈયુ સ્થળે (યુએસ)થી ઉદભવ્યો હોવાથી આ નિયમ કે સિદ્ધાંત લાગુ કરી શકાય નહિ. તેમણે પેસેન્જરના રક્ષણના સિદ્ધાંતને સ્વીકારવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે પેસેન્જર દરેક સંજોગોમાં વળતર મેળવવાને પાત્ર બનતો નથી. આ કેસમાં ઝાઈવાલા એન્ડ કંપનીએ એર ઈન્ડિયાના સોલિસિટર તરીકે કામગીરી બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter