લંડનઃ ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે ઘણા સમયથી વહી રહેલી તેમના રાજીનામાની અફવાનું ખંડન કર્યું છે. તેમને કેન્સર થયું હોવાના અહેવાલો વિશે પોપ ફ્રાન્સિસે સહાસ્ય કહ્યું હતું કે ‘ડોક્ટરોએ હજુ સુધી મને કહ્યું નથી.’ પોપે જણાવ્યું હતું કે તેઓ આ મહિને કેનેડા જશે અને નજીકના ભવિષ્યમાં, સંભવતઃ સપ્ટેમ્બરમાં મોસ્કો અને કીવની મુલાકાત લેવા ધારે છે.
પોતાના વેટિકન નિવાસે ક્રિશ્ચિયન ધર્મના વડા પોપ ફ્રાન્સિસે ખાસ ઈન્ટરવ્યૂમાં પોતાના રાજીનામાની અટકળો કે અફવાને નકારી કાઢી હતી. તેમણે પોતાને કેન્સર થયું હોવાના અહેવાલો પણ નકાર્યા હતા. તેમણે પોતાના ઘૂંટણની તકલીફના કારણે કેટલીક ફરજો બજાવી શકતા નહિ હોવાનું પણ સ્પષ્ટ કર્યું હતું. રોઈટર્સના અહેવાલ મુજબ 85 વર્ષના ધર્મગુરુએ ગત મહિને યુએસ સુપ્રીમ કોર્ટના એબોર્શન મુદ્દે ચુકાદાના પગલે ગર્ભપાતના તીવ્ર વિરોધનો પુનરુચ્ચાર કર્યો હતો.
ગત ઓગસ્ટ મહિનામાં વેટિકનના નવા બંધારણની ચર્ચા કરવા વિશ્વભરના કાર્ડિનલો સાથે બેઠકો, નવા કાર્ડિનલ્સની નિયુક્તિઓ તેમજ ઈટાલીના શહેર લા‘અક્વિલાની મુલાકાત સહિતની ઘટનાઓના પરિણામે મીડિયામાં પોપનાી રાજીનામાંની અટકળો ફરી વળી હોવાનું મનાય છે.