લંડનઃ યુકેના સૌથી મોટા પોલાદના કારખાનામાં ઓપરેશન્સ બંધ કરવાની ટાટા સ્ટીલની યોજનાનો ટ્રેડ યુનિયનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. ટાટા સ્ટીલ પોર્ટ તાલબોટ ખાતેના તેના પ્લાન્ટમાં ભવિષ્યની યોજનાઓની ટૂંકસમયમાં જાહેરાત કરે તેવી સંભાવના છે. જીએમબી યુનિયને જણાવ્યું છે કે જો યોજનામાં બદલાવ નહીં થાય તો ટાટા સ્ટીલ અને યુકે સરકાર યુકેની સ્ટીલ ઇન્ડસ્ટ્રીના ખાત્માનો પ્રારંભ કરશે. જીએમબી યુનિયનની સાથે કોમ્યુનિટી અને યુનાઇટે પણ ટાટા સ્ટીલની આ પ્રકારની કોઇપણ યોજનાનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.
યુકે સરકારે પોર્ટ તાલબોટ પ્લાન્ટ માટે ટાટા સ્ટીલને 500 મિલિયન પાઉન્ડની સહાય જાહેર કરી હતી. આ પ્લાન્ટમાં 4000 કર્મચારી કામ કરે છે. ટાટા સ્ટીલ સમગ્ર યુકેમાં 8000 કર્મચારીઓને રોજગાર આપે છે. જો ટાટા સ્ટીલ પરંપરાગત ફરનેસને સ્થાને નવી ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ શરૂ કરશે તો તેના કારણે કર્મચારીઓની સંખ્યામાં મોટો ઘટાડો થશે. ટાટા સ્ટીલ આ પ્લાન્ટમાં 700 મિલિયન પાઉન્ડનું રોકાણ કરી રહી છે.
ટ્રેડ યુનિયનો ટાટા સ્ટીલની યોજનાનો વિરોધ કરી રહ્યાં છે. જીએમબીના નેશનલ ઓફિસર ફોર સ્ટીલ શાર્લોટ બ્રમ્પટને જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલે તેની યોજના પાછી ખેંચીને કર્મચારીઓના હિતમાં અમારી સાથે મળીને કામ કરવું જોઇએ. જો આ યોજનામાં બદલાવ નહીં કરાય તો યુકેના સ્ટીલ ઉદ્યોગની ઘોર ખોદાઇ જશે.


