પોર્ટ તાલબોટ સ્ટીલ પ્લાન્ટ બંધ કરાશે, 2800 કર્મચારી નોકરી ગુમાવશે

ટાટા સ્ટીલ બ્લાસ્ટ ફરનેસના સ્થાને ઇલેક્ટ્રિક ફરનેસ સ્થાપિત કરશે

Tuesday 23rd January 2024 11:27 EST
 
 

લંડનઃ ભારતની કંપની ટાટા સ્ટીલે વેલ્સમાં પોર્ટ તાલબોટ ખાતેના પ્લાન્ટની બંને બ્લાસ્ટ ફરનેસ બંધ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે 2800 કર્મચારીઓને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ટાટા સ્ટીલ પોર્ટ તાલબોટ પ્લાન્ટ ખાતે કોલસા સંચાલિત બ્લાસ્ટ ફરનેસના સ્થાને ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે જેથી કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઘટાડો કરી શકાય. જો કે ઇલેક્ટ્રિક આર્ક ફરનેસના કારણે પ્લાન્ટમાં ઘણા ઓછા કર્મચારીઓની જરૂર પડશે. ટાટા સ્ટીલને આ બદલાવ માટે યુકેની સરકાર તરફથી 500 મિલિયન પાઉન્ડની સહાય પણ જારી કરાઇ છે.

ટાટા સ્ટીલે જણાવ્યું છે કે તેના યુકે બિઝનેસમાં સુધારા અને માળખાકીય બદલાવ માટેની યોજનાના ભાગરૂપે તે વિચારવિમર્શ શરૂ કરશે. આ યોજનાના પગલે કંપનીને છેલ્લા એક દાયકાથી થઇ રહેલી ખોટને નિવારી શકાશે અને પર્યાવરણને થતું નુકસાન બચાવી શકાશે. આ યોજનાના કારણે આગામી 18 મહિનામાં કંપનીમાંથી 2800 કર્મચારીઓને છૂટા કરાશે.

ટાટા સ્ટીલની આ યોજનાના કારણે 35000ની વસતી ધરાવતા પોર્ટ તાલબોટના અર્થતંત્રને ગંભીર અસર થશે. 1900ની સદીના પ્રારંભથી આ શહેર સ્ટીલ ઇન્ડસ્ટ્રી પર નભી રહ્યું છે. કર્મચારી યુનિયનોએ માગ કરી છે કે ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ તૈયાર થાય ત્યાં સુધી એક બ્લાસ્ટ ફરનેસ ચાલુ રાખવી જોઇએ જેના કારણે ઓછી સંખ્યામાં કર્મચારીઓ નોકરી ગુમાવશે. જોકે ટાટા સ્ટીલે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે.

બ્રિટનને ભારત અને ચીનમાંથી સ્ટીલની આયાત કરવી પડશે

લંડનઃ વેલ્સ સ્થિત પોર્ટ તાલબોટ સ્ટીલ પ્લાન્ટ બંધ કરવાની ટાટા સ્ટીલની જાહેરાતના પગલે યુકેમાં સ્ટીલની અછત વર્તાશે અને આગામી વર્ષોમાં યુકેએ સ્ટીલ માટે ભારત અને ચીનમાંથી થતી આયાતો પર નિર્ભર રહેવું પડશે. બ્લાસ્ટ ફરનેસના સ્થાને ઇલેક્ટ્રિક આર્ક ફરનેસ સ્થાપિત કરવાની કામગીરી 2027 સુધી પુરી થવાની કોઇ સંભાવના નથી તેથી આ સમયગાળામાં બ્રિટનને વિદેશમાંથી સ્ટીલની આયાત કરવાની ફરજ પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter