લંડનઃ પોર્ટ તાલબોટ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ ફરનેસ બંધ કરવાના મામલે ટાટા સ્ટીલ પર દંભી વલણ અપનાવવાનો આરોપ મૂકાઇ રહ્યો છે. પોર્ટ તાલબોટમાં બે બ્લાસ્ટ ફરનેસ બંધ કરવાના નિર્ણયને કારણે 2800 કર્મચારીઓને નોકરી ગુમાવવી પડી છે. ટાટા સ્ટીલ યુકેમાં પોર્ટ તાલબોટ ખાતેના પ્લાન્ટમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના નામે બ્લાસ્ટ ફરનેસ બંધ કરીને ઇલેક્ટ્રિક ફરનેસ લગાવવાની યોજના ધરાવે છે. પરંતુ યુનિયનોએ આરોપ મૂક્યો છે કે કાર્બન ઉત્સર્જનના નામે ટાટા સ્ટીલ એકતરફ પોર્ટ તાલબોટ ખાતે બ્લાસ્ટ ફરનેસ બંધ કરી રહી છે તો બીજીતરફ ભારતમાં કલિંગાનગર ખાતેના તેના પ્લાન્ટમાં નવી બ્લાસ્ટ ફરનેસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ટાટા સ્ટીલ કાર્બન ઉત્સર્જનના નામે દંભ અને ઢોંગ કરી રહી છે.
નોકરીઓ જવાના કારણે પોર્ટ તાલબોટ પ્લાન્ટના યુનિયનો અને સરકાર વચ્ચે તણાવ વધી રહ્યો છે. કર્મચારીઓની માગ છે કે તેમને વધુ આર્થિક સહાય અપાવી જોઇઅ. ગયા સપ્તાહમાં વેસ્ટ મિન્સ્ટરની બહાર એકઠાં થઇને સેંકડો કર્મચારીઓએ આ નિર્ણયની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લેબર પાર્ટીએ પણ જણાવ્યું છે કે તે બ્રિટિશ સ્ટીલ ઇન્ડસ્ટ્રીના ભાવિ માટે સંસદમાં મામલો ઉઠાવશે અને સરકાર પર મતદાનની ફરજ પાડશે.
પ્લાન્ટના યુનિયનો આરોપ મૂકી રહ્યાં છે કે વેલ્સમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના નામે ટાટા સ્ટીલ સેંકડો નોકરી છીનવી રહી છે અને ભારતમાં એજ બ્લાસ્ટ ફરનેસનું નિર્માણ કરી રહી છે. કંપની કાર્બન ઉત્સર્જનના નામે બેવડાં ધોરણ અપનાવી રહી છે.


