પોર્ટ તાલબોટઃ ટાટા સ્ટીલ અને યુનિયનો વચ્ચેનો ગજગ્રાહ વધવાના એંધાણ

ટાટા સ્ટીલે યુનિયનો દ્વારા રજૂ કરાયેલી ફરનેસ ચાલુ રાખવાની માગ ફગાવાઇ

Tuesday 30th April 2024 11:44 EDT
 

લંડનઃ પોર્ટ તાલબોટ સ્ટીલ વર્ક્સ ખાતે ઓપન બ્લાસ્ટ ફરનેસ ચાલુ રાખવાની યુનિયનો દ્વારા રજૂ કરાયેલી યોજનાને ટાટા સ્ટીલે નકારી કાઢતાં હવે 2800 કર્મચારીઓની નોકરી જવી નિશ્ચિત બન્યું છે. લંડનમાં ટાટા સ્ટીલ અને યુનિયનોના હોદ્દેદારો વચ્ચેની બેઠકમાં ઓપન બ્લાસ્ટ ફરનેસ બંધ નહીં કરવા દબાણ કરાયું હતું. પહેલી ફરનેસ જૂન અને બીજી ફરનેસ સપ્ટેમ્બર મહિનામાં બંધ કરાશે.

ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે, અમે 15મી મેથી સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો પ્રારંભ કરી રહ્યાં છીએ. યુનિયને જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક આર્ક ફરનેસનું નિર્માણ થઇ જાય ત્યાં સુધી ઓપન બ્લાસ્ટ ફરનેસ ચાલુ રાખવી જોઇએ પરંતુ ટાટા સ્ટીલના ચીફ એક્ઝિક્યુટિવ ટી વી નરેન્દ્રને જણાવ્યું હતું કે છેલ્લા 7 મહિનાથી ચાલી રહેલી મંત્રણાઓમાં રજૂ કરાયેલા વિકલ્પોની કાળજીપુર્વક સમીક્ષા કરતાં અમે અમારી પ્રસ્તાવિત યોજના સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે. યુનિયનો દ્વારા રજૂ કરાયેલી યોજના પોષાય તેવી નથી. અમારો વિકલ્પ સૌથી વધુ યોગ્ય છે.

કોમ્યુનિટી યુનિયનના જનરલ સેક્રેટરી રોય રિકુસે જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલનો નિર્ણય વિનાશકારી છે. હવે અમે યુનિયનના સભ્યો હડતાળનો નિર્ણય કરે તેની રાહ જોઇ રહ્યાં છીએ. અમે કંપનીનો વિકલ્પ સ્વીકારવા તૈયાર નથી. અમારી યોજનાના કારણે કંપનીને કોઇ નુકસાન થવાનું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter