લંડનઃ પોર્ટ્સમાઉથ સિટી કાઉન્સિલની 49 વર્ષીય ભૂતપૂર્વ એકાઉન્ટન્ટ અમીરમ બેગમે કાઉન્સિલના ભાડૂઆતો પાસેથી મળેલા ભાડામાં 72,000 થી વધુ પાઉન્ડની ઉચાપત કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે બેગમે કેન્યાના ઓનલાઈન છેતરપિંડી કરાનારાઓના દબાણ અને ધમકીઓ હેઠળ આવીને આ ગેરરીતિ આચરી હોવાની રજૂઆતને ધ્યાનમાં રાખીને ક્રાઉન કોર્ટે તેમને જેલની સજામાંથી રાહત આપી છે.
કાઉન્સિલમાં 27 વર્ષથી કામ કરતી અમીરમ બેગમે એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2023 વચ્ચે દરરોજના કેશ રિપોર્ટમાં રોકડ રકમ ઓછી દર્શાવીને તફાવતની બાકીની રકમ પોતાના માટે રાખી લીધી હતી. આ ચોરી છુપાવવા માટે તેણે એમેઝોન ગિફ્ટ કાર્ડ્સનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2021 માં કેન્યા સ્થિત એક બનાવટી લોન કંપની દ્વારા બેગમ પોતે છેતરપિંડીનો ભોગ બની હતી. ત્યારબાદ ઠગ ટોળકી દ્વારા તેણીને ધમકીઓ અને દબાણયુક્ત સંદેશાઓ મોકલીને નાણાં ટ્રાન્સફર કરવા મજબૂર કરવામાં આવી હતી.
જજ માઇકલ બોવ્સ કેસીએ સ્વીકાર્યું હતું કે જાહેર જનતાના નાણાંની ચોરી ગંભીર ગુનો છે પરંતુ આરોપી વિરુદ્ધ થયેલા બળજબરી અને શારીરિક-માનસિક શોષણના પુરાવા ધ્યાને લેતા તેને બે વર્ષ માટે સસ્પેન્ડેડ 8 મહિનાની કેદની સજા અને 200 કલાકનું અનપેઇડ વર્ક કરવાનો આદેશ આપ્યો છે.


