પોલ ઉપ્પલની સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર નિયુક્તિ

Monday 09th October 2017 10:33 EDT
 
 

લંડનઃ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ ગ્રેગ કર્લાર્કે નવી રચાયેલા સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર પૂર્વ ટોરી સાંસદ પોલ ઉપ્પલને નિયુક્ત કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીની ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીના કેન્દ્રસ્થાને રહેલા લઘુ બિઝનેસીસના વિકાસ તરફ ધ્યાન આપવા આ નિયુક્તિ કરાઈ છે.

કમિશનર તરીકે પોલ ઉપ્પલ સ્મોલ બિઝનેસના સશક્તિકરણનો સ્વતંત્ર હવાલો સંભાળશે. મોટા બિઝનેસીસ સાથેના વિવાદોના નિરાકરણ અને પેમેન્ટ પદ્ધતિઓમાં બદલાવને આગળ વધારવા તેમની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. પોલ ઉપ્પલ અને તેમની ટીમ સ્મોલ બિઝનેસીસને વિવાદો ઉકેલવાની સલાહ આપશે. રિઅલ એસ્ટેટ સેક્ટરમાં સ્મોલ બિઝનેસ માલિક તરીકે ૨૦ વર્ષનો અનુભવ તેમને કામ લાગશે.

પોલ ઉપ્પલે જણાવ્યું હતું કે બિઝનેસ ચલાવવો સારો અનુભવ હોઈ શકે છે. મારી પ્રોયોરિટી નાના બિઝનેસીસને સપોર્ટ આપવાની તેમજ બિઝનેસ ગળાંકાપ સ્પર્ધા હોવાની માન્યતા દૂર કરવાની રહેશે. સફળ બિઝનેસ પ્રામાણિકતા, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને વિશ્વાસના સંબંધો પર ટકેલો હોય છે. વિશ્વમાં નવા એન્ટ્રેપ્રીન્યોર્સ માટે બિઝનેસ સ્થાપવા અને વિકસાવવા બ્રિટન શ્રેષ્ઠ સ્થળ હોવાનું હું દર્શાવવા માગું છું.’

ગ્રેગ કર્લાર્કે જણાવ્યું હતું કે સ્મોલ બિઝનેસ કમિશનર તરીકે પોલ ઉપ્પલની નિયુક્તિ જાહેર કરતા હું આનંદ અનુભવું છું. નાના વેપારધંધા અર્થતંત્રની કરોડરજ્જુ છે, જે દેશભરમાં નોકરીઓ અને તકો આપે છે. બ્રિટનના ૫.૫ મિલિયન નાના બિઝનેસીસ આ સરકારની ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજીના કેન્દ્રસ્થાને છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter