પોલર પ્રીત – બ્રિટિશ સેનાના અધિકારીએ એકલા હાથે એન્ટાર્ટિકા મિશન પાર પાડ્યું

70 દિવસ અને 16 કલાકમાં 1485 કિમીનો પ્રવાસ ખેડવાનો પ્રીત ચાન્ડીનો વિશ્વ વિક્રમ

Wednesday 01st February 2023 05:47 EST
 
 

લંડન

બ્રિટિશ આર્મીના મહિલા અધિકારી કેપ્ટન પ્રીત ચાન્ડીએ કોઇપણ પ્રકારની સહાય વિના એન્ટાર્રટિકામાં સોલો મિશન પાર પાડ્યું છે. એન્ટાર્ટિકાના માઇનસ 30 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાનમાં કેપ્ટન ચાન્ડીએ 70 દિવસ અને 16 કલાકમાં 1485 કિમીનો એકલા હાથે પ્રવાસ ખેડીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આ પહેલાંનો વિશ્વવિક્રમ 1459 કિમીનો હતો. 2015માં બ્રિટિશ આર્મીના નિવૃત્ત લે. કર્નલ હેન્રી વોર્સલીએ આ અંતર કાપીને વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો પરંતુ ટ્રેકના અંતિમ ભાગમાં તેમનું નિધન થયું હતું. જોકે પોલર પ્રીતના હુલામણા નામે ઓળખાઇ રહેલા પ્રીત ચાન્ડી અંતિમ 160 કિમીનો લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં.

ડર્બીના 33 વર્ષીય પ્રીત ચાન્ડીએ જણાવ્યું હતું કે, માનસિક રીતે આ અભિયાન અત્યંત કઠિન હતું. મારી પાસે અંતિમ લક્ષ્યાંક સુધી પહોંચવાનો સમય નહોતો પરંતુ આ અભિયાન મારી ક્ષમતાઓની અગ્નિપરીક્ષા હતું. તેના દ્વારા ઘણાને આવા અભિયાન કરવાની પ્રેરણા મળતી હોય તો શા માટે મારે આ પ્રકારના અભિયાન ન કરવા જોઇએ. એન્ટાર્ટિકા પાર કરવામાં મને સમય ઓછો પડ્યો તેનું દુઃખ છે પરંતુ મેં મારાથી બનતા તમામ પ્રયાસ કર્યા હતા. મેં એકપણ દિવસ આરામ કર્યા વિના મારું આ અભિયાન સતત જારી રાખ્યું હતું.

આ અભિયાનમાં કેપ્ટન પ્રીત ચાન્ડી રોજના 13થી 15 કલાક સ્કિઇંગ કરતાં અને ફક્ત પાંચ કલાક જેટલી જ ઊંઘ લેતાં હતાં. આ અભિયાનમાં તેમની સાથે 120 કિલોનો સામાન પણ રહેતો હતો. પ્રીત ચાન્ડી હવે ટૂંકસમયમાં સેનામાંથી નિવૃત્ત થવાના છે. તેઓ 27 વર્ષની વયે સેનામાં સામેલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter