લંડનઃ પોલાન્ડની બે બહેનો- મોનિકા અને એડ્યાટા ગોર્સ્કાને તેમના ૪૯ દેશવાસીને યુકેમાં ઘુસાડી બનાવટી એકાઉન્ટ્સ તૈયાર કરવાવાના કૌભાંડથી લગભગ ૩૦૦,૦૦૦ પાઉન્ડના ખોટા બેનિફિટ્સ ક્લેઈમ્સ કરવાના અપરાધમાં જેલની સજા કરાઈ છે. ઈનર લંડન ક્રાઉન કોર્ટે મોનિકા (૨૯)ને અઢી વર્ષ અને એડ્યાટા (૩૫)ને બે વર્ષની તેમજ કૌભાંડમાં સાથ આપનારા બેન્ક અધિકારી કેરોલિના ઝ્મીજેવસ્કાને ૧૮ મહિનાની સજા ફરમાવી હતી.
પોલીશ દેશવાસીઓને હવાઈમાર્ગે યુકેમાં લાવી તેમના મારફત ખોટી રીતે યુનિવર્સલ ક્રેડિટના નાણા ક્લેઈમ કરવાના કૌભાંડમાં બે બહેનો- મોનિકા અને એડ્યાટા ગોર્સ્કાએ માત્ર ૧૪ મહિનામાં કરદાતાઓના ૨૯૭,૧૬૧ પાઉન્ડ ઓળવ્યા હતા. મોનિકા અને એડ્યાટાએ બનાવટી ઓળખપત્રોના ઉપયોગથી બેન્કખાતા અને વર્ક એન્ડ પેન્શન્સ ડીપાર્ટમેન્ટ (DWP)ના એકાઉન્ટ્સ ઉભાં કર્યા હતા અને બેનિફિટ ક્લેઈમ્સ મેળવવાનું શરુ કરી દીધું હતું.
કોર્ટ સમક્ષ રજૂઆત અનુસાર મોનિકાએ ઓગસ્ટ ૨૦૧૯થી બોગસ DWP એકાઉન્ટ્સ તૈયાર કરવા માંડ્યાં હતાં પરંતુ, કોરોના વાઈરસ મહામારી આવતા કૌભાંડની ઝડપ વધી ગઈ હતી કારણકે ડોક્યુમેન્ટ ચેકિંગ રુબરુ થતા ન હતા. પ્રોસીક્યુટર જ્હોન મેક્નાલેએ કોર્ટને જણાવ્યું હતું કે કૌભાંડ ચાર તબક્કામાં આગળ વધ્યું હતું જેમાં, વ્યક્તિને યુકે લાવવાની ગોઠવણ કરવી, બેન્કોમાંથી ખાતાં ખોલાવવાં, ક્લેઈમ્સ મેળવવાનો વહીવટ અને નાણા મેળવવાનો સમાવેશ થયો હતો. ગોર્સ્કા બહેનો પોલાન્ડ નાસી જવાનો પ્રયાસ કરતી હતી ત્યારે ૨૦૨૦ની ૬ ઓક્ટોબરે તેમની ધરપકડ કરાઈ હતી.
આ બહેનોની અલગ બેન્ક ફ્રોડ ઓપરેશનમાં પણ સંડોવણી હતી જેમાં, તેમણે બાર્કલેઝના મેનેજર કેરોલિના ઝ્મીજેવસ્કા (૪૦)ની મદદથી ૧૨ બોગસ એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. બેન્કમાં સિક્યુરિટી ચેકિંગ નહિ કરનારી કેરોલિનાએ દાવો કર્યો હતો કે માતા ગંભીર બીમાર હોવાની એડ્યાટાની વાતથી તે પીગળી ગઈ હતી. અપરાધીઓએ બાર્કલેઝમાંથી ૨૫૦,૦૦૦ પાઉન્ડની ચોરી કરી હતી.