લંડન
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ કર્મચારીઓ સામે થતી ફરિયાદોમાં સત્તાવાળાઓ દ્વારા કોઇ પગલાં લેવામાં આવતાં નથી. આંકડા દર્શાવે છે કે પોલીસ કર્મચારીઓ સામેની ફરિયાદો પૈકીની 90 ટકા ફરિયાદોમાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. 2021-22માં પોલીસ કર્મચારીઓ સામે 86000 જેટલી ફરિયાદો થઇ હતી તેમાંથી માંડ 0.2 ટકા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી હતી. 4000 ફરિયાદોમાં પોલીસ કર્મચારીઓ સામે રેસિઝમ સહિત પક્ષપાતના આરોપ મૂકાયા હતા. 10,000 ફરિયાદમાં પોલીસ સામે બળપ્રયોગનો આરોપ મૂકાયો હતો. 1400 ફરિયાદ ભ્રષ્ટાચાર માટે કરાઇ હતી. 200 ફરિયાદમાં પોલીસ પર છેડછાડના આરોપ મૂકાયા હતા.
સારાહ ઇવરાર્ડની પોલીસ અધિકારી દ્વારા હત્યા અને શ્રેણીબદ્ધ કૌભાંડો તથા ભ્રષ્ટાચારના આરોપો બાદ હવે પોલીસ કલ્ચરની જાહેર તપાસની માગ થઇ રહી છે. હોમ ઓફિસ દ્વારા ગયા સપ્તાહમાં જારી કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ કર્મચારીઓ સામેની 89 ટકા ફરિયાદોમાં કોઇ પ્રકારના પગલાંની જરૂર નથી. 11 ટકા ફરિયાદમાં તપાસના આદેશ અપાયા છે જેને પોલીસ કર્મચારીઓ રિફ્લેક્ટિવ પ્રેકટિસ ગણાવી રહ્યાં છે. ફક્ત 0.2 ટકા એટલે કે 158 ફરિયાદોમાં જ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે શિસ્તના પગલાં લેવામાં આવ્યાં છે.
મેટ્રોપોલિટન પોલીસ કમિશ્નર સર માર્ક રોવલીએ જણાવ્યું હતું કે, પોલીસ સેવામાં અનફિટ હોય તેવા સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓને ફરજ પર પાછા લેવા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ અપરાધ કરતા હોવા છતાં તેમની સામે પગલાં લેવાની મને પરવાનગી આપવામાં આવતી નથી.


