પોલીસ ‘હીરો’ કિથ પાલ્મરના પરિવાર માટે દાનનો ધોધ

Monday 27th March 2017 12:33 EDT
 
 

લંડનઃ વેસ્ટમિન્સ્ટર ટેરર એટેકમાં ગત બુધવાર બપોરે આતંકવાદી હત્યારા ખાલિદ મસૂદ દ્વારા હત્યા કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મરના પરિવાર માટે મૂકાયેલા ફંડરેઈઝિંગ પેજ માટે દાનની સરવાણી વહી હતી અને છેલ્લા અહેવાલો અનુસાર ૬૭૦,૦૦૦ પાઉન્ડથી વધુ એકત્ર થઈ હતી. મેટ્રોપોલીટન પોલીસ ફેડરેશન દ્વારા ધ જસ્ટગિવિંગ પેજ સ્થાપવામાં આવ્યું હતું. પેલેસ તરફ ઘૂસી રહેલા આતંકવાદીને અટકાવવાના પ્રયાસ દરમિયાન મસૂદે તેમને ચાકુના ઘા મારી હત્યા કરી હતી. વડા પ્રધાન થેરેસા મેએ પણ પાર્લામેન્ટમાં કિથને ‘નાયક’ કહી બિરદાવ્યાં હતાં.

આ પેજમાં જણાવાયું હતું કે,‘દરરોજ, સમગ્ર લંડન અને બાકીના યુકેમાં અમારા રક્ષણ અને સલામતી અર્થે પોતાનું જીવન જોખમમાં મૂકે છે. આ કરુણાંતિકાના સમયે અમારું હૈયું અને વિચારો કિથના પરિવાર અને જેમણે જાન ગુમાવ્યાં છે અને ઈજાગ્રસ્ત થયાં છે તેમની સાથે જ છે.’ આ પેજ પર પાંચ લાખ પાઉન્ડથી વધુની રકમ એકત્ર થઈ હતી અને દાનનો પ્રવાહ હજુ વહી રહ્યો છે. મેટ્રોપોલીટન પોલીસ ફેડરેશનના ચેરમેન કેન માર્શના જણાવ્યા અનુસાર ફેડરેશનના સભ્યો કોઈ રીતે મદદરુપ થવા ઈચ્છતાં હોવાની માગણીના પગલે આ પેજ સ્થાપવામાં આવ્યું છે. શોકાતુર પરિવાર માટે દાન મેળવવા અનેક ફંડરેઈઝિંગ અપીલ્સમાં ફેડરેશનનું ધ જસ્ટગિવિંગ પેજ પણ છે. આ પેજ માટે દાનની રકમનો લક્ષ્યાંક વધારી દેવાયો હતો.

પોલીસ કોન્સ્ટેબલ કિથ પાલ્મર એપ્રિલ ૨૦૧૬માં પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન કમાન્ડમાં જોડાયા હતા. તેઓ ટેરિટોરિયલ સપોર્ટ ગ્રૂપમાં પણ હતા. તેઓ નવેમ્બર ૨૦૦૧માં મેટ્રોપોલીટન પોલીસમાં જોડાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter