લંડનઃ લેસ્ટરમાં બે સગીરો દ્વારા હત્યા કરાયેલા 80 વર્ષીય ભીમ કોહલીની દીકરીએ આરોપ મૂક્યો છે કે જો પોલીસે આગોતરા પગલાં લીધાં હોત તો આજે મારા પિતા જિવિત હોત. ભીમ કોહલી પર હુમલો થયો તેના બે સપ્તાહ પહેલાં જ અન્ય બે સગીરો દ્વારા એક એશિયન મૂળના વ્યક્તિ પર હુમલો કરાયો હતો. સુસાન કોહલીને સોંપાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ જાણતી હતી કે આ હુમલામાં કોણ બે વ્યક્તિ સંડોવાયેલી છે. તેમ છતાં ભીમ કોહલીની હત્યા થઇ ત્યાં સુધી તેમની ધરપકડ કરાઇ નહોતી.
સુસાન કોહલી માને છે કે અગાઉના હુમલા બાદ પોલીસે ઝડપથી પગલાં લીધાં હોત તો આજે મારા પિતા જિવિત હોત. હુમલામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડમાં કરાયેલા વિલંબ પર કોહલીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે મામલાની તપાસ પોલીસ વોચડોગ ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ દ્વારા કરાવવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, માહિતી હોવા છતાં પોલીસે પગલાં લીધાં નહોતાં. જો પગલાં લેવાયા હોત તો સમગ્ર શહેરમાં એક મેસેજ મોકલી શકાયો હોત.