લંડનઃ ઉત્તર ઇંગ્લેન્ડમાં વર્ષોથી સગીરાઓનું શારીરિક શોષણ કરતી ગ્રુમિંગ ગેંગો સામેની કાર્યવાહીમાં કાઉન્સિલ વડાઓ અને પોલીસની નિષ્ફળતાએ સગીરાઓને નિઃસહાય સ્થિતિમાં મૂકી દીધી છે. 20004થી 2013 વચ્ચે રોશડેલમાં સગીરાઓના શોષણની ઘટનાઓનું પુનરાવર્તન રોધરહેમ, ઓલ્ડહેમ અને ઓક્સફર્ડ જેવા બ્રિટિશ શહેરોમાં જોવા મળ્યું છે. સંખ્યાબંધ કોર્ટ કેસોમાં દોષી ઠરેલા આરોપીઓમાં મોટાભાગના સાઉથ એશિયન મૂળના લોકોનો સમાવેશ થાય છે. ગ્રુમિંગ ગેંગોનો શિકાર બનેલી સગીરાઓમાં મોટાભાગની શ્વેત વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે.
173 પાનાના સમીક્ષા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રોશડેલ કાંડમાં ગ્રેટ માન્ચેસ્ટર પોલીસ તપાસ કરવામાં સંપુર્ણ નિષ્ફળ રહી હતી. આ અભ્યાસમાં સામેલ લીડ ઓથર માલ્કમ ન્યૂસેમે જણાવ્યું હતું કે, આ સમયગાળામાં પોલીસ દ્વારા ઘણા ઓપરેશન શરૂ કરાયાં હતાં પરંતુ જે રીતે સગીરાઓ ભોગ બની રહી હતી તેને અટકાવવા માટે પોલીસ પાસે પુરતા રિસોર્સ નહોતા. જેના કારણે સગીરાઓ જોખમમાં મૂકાઇ હતી. ઘણા આરોપીઓની તો આજ સુધી અટકાયત પણ કરી શકાઇ નથી.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, જીએમપી અને ચિલ્ડ્રન્સ સોશિયલ કેર દ્વારા અપુરતાં પગલાંને કારણે બાળકોને શોષણખોરોની દયા પર છોડી દેવાયાં હતાં. બાળકો ગંભીર શારીરિક શોષણનો શિકાર બન્યાં હતાં.


