લંડનઃ પોલીસ વોચડોગે જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રુમિંગ ગેંગો ચિંતાનો વિષય બની રહી હોવા છતાં પોલીસને તેમના અંગે ચોક્કસ સમજ જ નથી. હીઝ મેજેસ્ટીસ ઇન્સ્પેક્ટોરેટ ઓફ કોન્સ્ટેબ્યુલરી એન્ડ ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસ (HMICFRS) દ્વારા 27 કેસની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં એકઠાં કરાયેલા આંકડા અને માહિતી આધારવિહોણા હતા અને ગુપ્તચર માહિતીને પણ પ્રાથમિકતા અપાઇ નહોતી. રાજકીય નેતાઓ દ્વારા એશિયન ગ્રુમિંગ ગેંગો અંગે કાગારોળ મચાવવામાં આવે છે પરંતુ અહીં તો મોટાભાગના અપરાધી શ્વેત હતા. કોન્સ્ટેબ્યુલરીના એચએમ ઇન્સ્પેક્ટર વેન્ડી વિલિયમ્સે જણાવ્યું હતું કે, બદલાવની ઝડપ વધારવાની જરૂર છે અને તેનો પ્રારંભ સમસ્યાને સમજવાથી કરવો જોઇએ. શેરીઓમાં બાળકોને ફોસલાવી તેમના શારીરિક શોષણની સમસ્યા દાયકા જૂની છે. HMICFRS એ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પછી અમે એવી આશા રાખતા હતા કે પોલીસ અને અન્ય સંગઠનો આ સમસ્યાને સારી રીતે સમજી શક્યાં છે પરંતુ અમને હતાશા મળી હતી.


