પોલીસે નહિ ઉકલાયેલા 2 મિલિયન કેસની ફાઈલ્સ આખરે બંધ કરી દીધી

Wednesday 03rd August 2022 02:34 EDT
 
 

લંડનઃ શકમંદ ગુનેગારની ઓળખ પણ કરી શકાઈ નથી તેવાં બાઈક ચોરીના 10માંથી 9 કેસ તેમજ વાહનોમાંથી ચીજવસ્તુની ચોરીના લગભગ તમામ કેસની ફાઈલ્સ પોલીસે ગયા વર્ષે બંધ કરી દીધી છે. આ નહિ ઉકલાયેલા કેસની સત્તાવાર સંખ્યા આશરે 2 મિલિયન હતી.

ઈંગ્લેન્ડ અને વેલ્સના પોલીસ દળો દ્વારા એપ્રિલ 2021થી માર્ચ 2022 સુધીના વર્ષમાં બંધ કરી દેવાયેલા કેસનો આંકડો તમામ પ્રકારના ક્રાઈમના 40 ટકા જેટલો થાય છે. લિબરલ ડેમોક્રેટ્સ દ્વારા સત્તાવાર આંકડાના એનાલિસિસ મુજબ આ કેસીસની નોંધ ‘તપાસ પૂર્ણ- કોઈ શકમંદની ઓળખ નહિ’ના શેરા સાથે કરાઈ હતી. એક મિલિયનથી વધુ ચોરીઓ અને ઓછામાં ઓછાં 300,000 હિંસક ગુનાઓ પણ શકમંદની ઓળખ કરાયા વિના જ બંધ કરી દેવાયા હતા.

વાહનોમાંથી ચીજવસ્તુની ચોરીના 94.2 ટકા અથવા 183,000 કેસમાં શકમંદની ઓળખ શક્ય બની ન હતી. ચોરાયેલી 74,837 બાઈક્સની ચોરી બાબતે 90 ટકા અથવા 67,351 કેસમાં શકમંદની ઓળખ કરી શકાઈ ન હતી. પોલીસે નહિ ઉકેલાયેલા ચોરીના 84.9 ટકા કેસ તેમજ ઘરફોડ ચોરીના 78.9 ટકા કેસની ફાઈલ્સ બંધ કરી દીધી હતી. આગચંપીના 72.6ટકા કેસ તેમજ ક્રિમિનલ ડેમેજીસના 60.8 ટકા કેસમાં કોઈ ગુનેગાર કે શકમંદની ઓળખ શક્ય બની ન હતી.

મેટ્રોપોલીટન પોલીસ દ્વારા તપાસ કરાયેલા કેસીસમાં 54.2 ટકા કેસની તપાસ બંધ કરી દેવાઈ હતી જ્યારે, વેસ્ટ મિડલેન્ડ્સ, વેસ્ટ યોર્કશાયર, સાઉથ યોર્કશાયર, સરે અને સસેક્સ સહિત નવ પોલીસ ફોર્સીસે શકમંદની ઓળખ કર્યા વિના 40 ટકાથી વધુ કેસ બંધ કરી દીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter