લંડનઃ પોસ્ટ ઓફિસ કૌભાંડના પીડિતોએ કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડી રહ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ચેતવણી આપી છે કે જરૂરી ફંડના અભાવે સંભવિત ગુનાહિત આરોપો દાખલ કરવામાં વર્ષ 2033 સુધી વિલંબ થઈ શકે છે.
આ ચકચારી કૌભાંડમાં તપાસકર્તાઓએ અત્યાર સુધીમાં 13 શંકાસ્પદોની આકરી પૂછપરછ કરી છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ અને હોરાઇઝન કમ્પ્યુટર સિસ્ટમ બનાવનારી કંપની ફુજિત્સુના અંદાજે 53 જેટલા વ્યક્તિઓ તપાસના દાયરામાં છે. જોકે આ મામલે વર્ષ 2028 સુધીમાં ચાર્જશીટ દાખલ કરવાની યોજના અત્યારે જોખમમાં મુકાઈ ગઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, બજેટની તંગીના કારણે પોલીસ નવો સ્ટાફ રાખવામાં અસમર્થ છે જેના લીધે નિર્ધારિત સમયમાં કામ પૂરું કરવું અશક્ય લાગી રહ્યું છે.
હાલ ઓપરેશન ઓલિમ્પસ નામે ચાલી રહેલી આ દેશવ્યાપી ગુનાહિત તપાસમાં હાલ 110 અધિકારી કાર્યરત છે. ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ આ મામલે કાનૂની સલાહ આપી રહી છે અને આગામી મહિના સુધીમાં તપાસ સંબંધિત દસ્તાવેજોની સંખ્યા ૧૦ મિલિયન સુધી પહોંચવાની ધારણા છે.
તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2028 સુધીમાં આરોપો દાખલ કરવાનું લક્ષ્ય પૂરું કરવા માટે વાર્ષિક ૧૯ મિલિયન પાઉન્ડ ભંડોળની જરૂર છે પરંતુ હાલનું બજેટ 11.3 મિલિયન પાઉન્ડ જ છે.


