લંડનઃ પોસ્ટ ઓફિસ મિનિસ્ટર કેવિન હોલિનરેકે જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસ આઇટી સ્કેન્ડલના પીડિત સેંકડો સબ પોસ્ટમાસ્ટરોની અપીલ ફાસ્ટ ટ્રેક પર ચલાવવાની યોજના ટૂંકસમયમાં જાહેર કરાશે. હોલિનરેકે સાંસદોને જણાવ્યું હતું કે, સરકાર પોસ્ટ માસ્ટરોને દોષી ઠેરવતા ચુકાદાઓ ઉલટાવી નાખવાના વિકલ્પો ચકાસી રહી છે અને તે માટે ખરડો લાવે તેવી પણ સંભાવના છે. આ અંગેની માહિતી સપ્તાહાંત સુધીમાં જાહેર કરાશે.
હોલિનરેકે જણાવ્યું હતું કે, સમગ્ર સ્કેન્ડલ માટે કારણભૂત એવું ખામીયુક્ત સોફ્ટવેર પુરુ પાડનાર ટેકનોલોજી કંપની ફુજિત્સુ તેમજ અન્ય કોઇપણ જવાબદારે આ સ્કેન્ડલના પીડિતોને વળતર પણ ચૂકવવું જોઇએ. હોલિનરેકે સોમવારે જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાક સાથે મુલાકાત કરીને પોસ્ટ ઓફિસ આઇટી સ્કેન્ડલ પર ચર્ચા વિચારણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોસ્ટ માસ્ટરો સામેના હજુ પડતર કેસોનો ઝડપથી ઉકેલ લાવવા માટેના વિકલ્પો પર અમારી વચ્ચે ચર્ચા થઇ હતી. આ માટે એલેક્સ ચાકે ન્યાયતંત્રમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે આ વિકલ્પો પર વાત કરવી જોઇએ. જે પીડિતો હજુ તેમની સામેના ચુકાદા ઉલટાવવાની રાહ જોઇ રહ્યાં છે તેમને ઝડપથી રાહત અપાય તે માટે કાયદામાં સુધારાની સંભાવના અંગે પણ અમારી વચ્ચે ઊંડાણપુર્વક ચર્ચા થઇ હતી.
પોસ્ટ માસ્ટરોને માસ અપીલની પરવાનગી આપવાની માગ
પૂર્વ કેબિનેટ મિનિસ્ટર સર ડેવિડ ડેવિસે જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલમાં દોષી ઠેરવાયેલા સેંકડો સબ પોસ્ટ માસ્ટરોને માસ અપીલ કરવાની પરવાનગી આપવી જોઇએ. માસ કેસ ન હોવા માટે કોઇ વ્યાજબી કારણ મને જણાતું નથી. લેબર નેતા સર સ્ટાર્મરે પણ જણાવ્યું છે કે તમામ કેસોની પુનઃસમીક્ષા થવી જોઇએ.


