લંડનઃ બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ તેના રિપોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે પોસ્ટ ઓફિસ હોરાઈઝન સ્કેન્લના અસરગ્રસ્તો માટે કોઈ પણ વળતર સ્કીમ ચલાવવાને સક્ષમ નથી. પૂર્વ પોસ્ટ માસ્ટર્સને ઘણું ઓછું વળતર ચૂકવાયું છે તે ખરેખર કલંક છે. વળતરની સ્કીમ્સ પોસ્ટ ઓફિસના હસ્તકથી ખૂંચવી લેવાય અને નવી સ્વતંત્ર સંસ્થાને તેની જવાબદારી સોંપાય તેવી ભલામણ પણ રિપોર્ટમાં કરવામાં આવી છે. ચેરમેનની હકાલપટ્ટી અને તેના ચીફ એક્ઝિક્યુટિવની તપાસ થઈ રહી છે ત્યારે પોસ્ટ ઓફિસની નેતાગીરી ભારે ગૂંચવણમાં પડી ગઈ છે.
સાંસદોના રિપોર્ટમાં જણાવાયું હતું કે બજેટમાં દર પાંચ પાઉન્ડમાંથી માત્ર એક પાઉન્ડની રકમ વિક્ટીમ્સ માટે ફાળવાઈ છે. કમિટીના અધ્યક્ષ લેબર સાંસદ લીઆમ બાયર્નેએ જણાવ્યું હતું કે તાજેતરના સપ્તાહોથી ચાલતા આ સર્કસનો અંત આવે અને નિર્દોષ અસરગ્રસ્તોના નિવાસે વળતરનાં ચેક પહોંચવા લાગે તે સમય આવી ગયો છે. પૂર્વ સબ-પોસ્ટમાસ્ટરોના પ્રતિનિધિ વકીલોના જણાવ્યા મુજબ 1 બિલિયન વળતરનું બજેટ પૂર્ણ રીતે ચૂકવવામાં બે વર્ષ સુધીનો સમય લાગી શકે છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે સરકારની માલિકીની પોસ્ટ ઓફિસમાં કૌભાંડના અસરગ્રસ્તોને કોઈ વિશ્વાસ રહ્યો નથી.

