લંડનઃ હોરાઇઝન સ્કેન્ડલમાં પોતાના માતાપિતાને ખોટી રીતે દોષી ઠેરવવાના કારણે થયેલા આર્થિક નુકસાનથી જીવનો બરબાદ થવા માટે હવે કેટલાક પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના પીડિતોના સંતાનોએ વળતરની માગ કરી છે. પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના કારણે નાદાર થઇ ગયા બાદ ફ્રાન્સ નાસી ગયેલા ટોની ડાઉનીની પુત્રી કેટી ડાઉનીની આગેવાનીમાં હોરાઇઝન સોફ્ટવેર પુરું પાડનારી કંપની ફુજિત્સુ સાથે મુલાકાતની પણ માગ કરી છે. ડાઉનીએ લોસ્ટ ચાન્સિસ ફોર ધ ચિલ્ડ્રન ઓફ સબ પોસ્ટમાસ્ટર્સ નામનું સંગઠન બનાવ્યું છે જેથી એકબીજાની મદદ કરી શકાય. આ સ્કેન્ડલના કારણે પીડિતોના સંતાનોના જીવનો પર પડેલી અસરો માટે આ ગ્રુપ દ્વારા વળતરની પણ માગ કરાઇ છે.
હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા પોસ્ટ ઓફિસ ઓપરેટરોને દોષી ઠેરવતા ચુકાદા રદ કરવા સરકાર દ્વારા ખરડો રજૂ કરાયો છે. સરકાર દ્વારા ગયા સપ્તાહમાં રજૂ કરાયેલા ખરડા દ્વારા ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સ્કેન્ડલના પીડિતોને મોટી રાહત પ્રાપ્ત થશે.
આ ખરડો પસાર થતાં જ એક દાયકા કરતાં વધુ સમયથી પોસ્ટ ઓફિસ સાથેના બિઝનેસમાં સંકળાયેલા લોકોને ચોરી, ફ્રોડ, ખોટા હિસાબકિતાબ, મની લોન્ડરિંગ જેવા આરોપોમાં દોષી ઠેરવતા ચુકાદાઓને સાગમટે રદ કરાશે. ખરડો કાયદો બનતાં જ તમામ ચુકાદા રદ થઇ જશે. 23 સપ્ટેમ્બર 1996થી 31 ડિસેમ્બર 2018 વચ્ચે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોસ્ટ ઓફિસ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ દ્વારા અપાયેલા તમામ ચુકાદાને આ કાયદા અંતર્ગત આવરી લેવાશે.
આ સ્કેન્ડલમાં 900 કરતાં વધુ પોસ્ટ સબ માસ્ટરોને ખામીયુક્ત હોરાઇઝન સોફ્ટવેરના કારણે વિવિધ આરોપસર દોષી ઠેરવાયાં હતાં. અત્યારસુધીમાં ફક્ત 100 જેટલા ચુકાદા જ રદ કરાયાં છે. સરકાર જુલાઇ મહિના સુધીમાં આ ખરડો સંસદમાં પસાર કરાવવા માગે છે. પોસ્ટ ઓફિસ મિનિસ્ટર કેવિન હોલિનરેક આ ખરડાનું નેતૃત્વ કરી રહ્યા છે.