લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન સ્કેન્ડલના પીડિતો માટે પગલાં લેવા વડાપ્રધાન રિશી સુનાકે વચન આપ્યું છે. આ સ્કેન્ડલોના પીડિતોમાં મોટી સંખ્યામાં બ્રિટિશ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં ફોલ્ટી આઇટી સિસ્ટમને સંડોવતા ઐતિહાસિક સ્કેન્ડલ અંગેના સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, ખોટા ચુકાદા ઉલટાવી દેવા અને વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપી કેવી રીતે ઝડપી બનાવી શકાય તેના પર જસ્ટિસ મિનિસ્ટર કામ કરી રહ્યા છે.
વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, આ મામલો છેક 1990ના દાયકાથી ચાલતો આવ્યો છે અને તેના પીડિતોને ન્યાય આપવામાં ન્યાયની કેવી રીતે કસુવાવડ થઇ છે તે આપણે જોઇ અને સાંભળી રહ્યાં છીએ. મહત્વની વાત એ છે કે હવે આ પીડિતોને ન્યાય મળવો જોઇએ અને પુરતા પ્રમાણમાં વળતર પણ ચૂકવાવું જોઇએ.
સુનાકે જણાવ્યું હતું કે, સરકારે વળતર પેટે હજારો લોકોને 150 મિલિયન પાઉન્ડ ચૂકવી દીધાં છે. અમે પીડિતોને ઝડપથી વળતર ચૂકવવા માગીએ છીએ. તેથી જ અમે વચગાળાનું વળતર પણ ચૂકવી રહ્યાં છીએ. મને લાગે છે કે 6 લાખ પાઉન્ડનું વળતર ચૂકવી શકાય. પીડિતો માટે વિવિધ સ્કીમ ઉપલબ્ધ છે અને તેમણે સામે આવવું જોઇએ.
વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, સરકાર અપીલ પ્રોસેસમાં પોસ્ટ ઓફિસની ભુમિકા નાબૂદ કરવા સહિતના વિવિધ વિકલ્પ અંગે પણ વિચારણા કરી રહી છે. અત્યાર સુધી પોસ્ટ ઓફિસને અસલ સુનાવણી કરાવવા અને તેના દ્વારા નિયુક્ત વકીલો દ્વારા કોર્ટમાં પુરાવા રજૂ કરવાનો અધિકાર હતો. નવા વિકલ્પમાં ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ અને તેના પોતાના વકીલો અપીલોની સુનાવણીમાં હાજર રહેશે.


