પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિતોને ઘણા વર્ષોના ઇંતેજાર પછી ન્યાય મળવાની આશાઓ પ્રબળ બની છે પરંતુ આટલા વર્ષોની પીડાએ તેમને ભાંગી નાખ્યાં છે. સમાજમાં બદનામી, આર્થિક નુકસાન, માનસિક તણાવ, શારીરિક પરેશાનીઓનો સામનો કરીને પણ પીડિતો ન્યાય માટે લડત આપતાં રહ્યાં છે. જોકે હવે સરકારે પહેલ કરતાં ઝડપથી ન્યાય મળશે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યાં છે તેમ છતાં હજુ તેમને ઘણા સવાલો પણ સતાવી રહ્યાં છે.
25 વર્ષ જૂના પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોને હવે તેમણે ગુમાવેલા વર્ષો, પ્રતિષ્ઠા, આરોગ્ય અને કેટલાંકના તો મોત માટે વળતરની ઓફર અપાશે. સરકારે સ્કેન્ડલના પીડિતોને આર્થિક નુકસાન પેટે વળતર ચૂકવવાના આવકારદાયક પગલાં લેવાનું શરૂ કર્યું છે પરંતુ સંવેદનશીલ નુકસાનની કોઇ ભરપાઇ થઇ શકે તેમ નથી. પીડિતો પૈકીના કેટલાંકના તો મોત નિપજી ચૂક્યાં છે તો કેટલાંક 70 વર્ષની વય વટાવી ગયાં છે. આવા જ કેટલાક પીડિતો અને સાંસદો સાથે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસે વાત કરી તેમની લાગણીઓને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.
સરકાર નિર્ણાયક પગલાં લઇ રહી છે તેની ખુશીઃ બોબ બ્લેકમેન
સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, આ એક એવી કરૂણાંતિકા છે જેમાં ઘણા નિર્દોષ પોસ્ટમાસ્ટર ભોગ બન્યાં છે. મને ખુશી છે કે સરકાર તેમને ન્યાય અને વળતર અપાવવા માટે નિર્ણાયક પગલાં લઇ રહી છે. મને આશા છે કે આપણે હવે ક્યારેય આ પ્રકારનો અન્યાય થવા દઇશું નહીં.
સરકાર વળતર કેવી રીતે ચૂકવશે તે મુખ્ય સવાલઃ સંદીપ પટેલ
બેડફોર્ડ સ્થિત બેરિસ્ટર સંદિપ પટેલે જણાવ્યું હતું કે, સરકારે 900 કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટરને ન્યાય અપાવવા ખરડો તો રજૂ કર્યો છે પરંતુ મહત્વનો મુદ્દો એ છે કે તેમને તથા અન્ય વળતર મેળવવા પાત્ર 4000 જેટલા પીડિતોને કેવી રીતે વળતર અપાશે. તેનું મૂળ કારણ એ છે કે સબ પોસ્ટમાસ્ટરો માટે વળતર માટે અરજી કરવાની એક પણ યોજના નથી.
પોસ્ટ ઓફિસનો ભ્રષ્ટાચાર ખુલીને સામે આવી ગયો છેઃ વિરેન્દ્ર શર્મા
સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસની લાલચ, જુઠ્ઠાણા અને માનવતાવિરોધી વલણ આઘાતજનક છે. પોસ્ટ ઓફિસમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર હવે ખુલીને સામે આવી ગયો છે. આપણે રજૂઆતો સાંભળવી જોઇએ અને શક્તિશાળી સંગઠનોને નિર્દોષોને મૂક કરી દેવાની પરવાનગી આપવી જોઇએ નહીં.
સ્કેન્ડલે લોકોના જીવન અને આજીવિકા બરબાદ કરી નાખ્યાઃ ગેરેથ થોમસ
હેરો વેસ્ટના સાંસદ ગેરેથ થોમસે જણાવ્યું હતું કે, સબ પોસ્ટ માસ્ટરો સાથે થયેલા શરમજનક વ્યવહારને આઇટીવીના ડ્રામાએ ઉજાગર કરીને જાગૃતિ લાવી દીધી છે. આ સ્કેન્ડલે લોકોના જીવન અને આજીવિકા બરબાદ કરી નાખ્યાં હતાં. હું સંસદમાં વર્ષોથી આ મામલો ઉઠાવતો રહ્યો છું અને પીડિતોને ન્યાય તથા વળતર મળે તે માટે ઉઠાવતો રહીશ.
પીડિતોને માનસિક તણાવ માટે પણ વળતર ચૂકવાયઃ પ્રવીણ અમીન
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવીણ અમીને જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસનું વલણ કૌભાંડી પૂરવાર થઇ ગયું છે. આ શક્તિશાળી સંસ્થા તેની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ રહી છે. આશા રાખું છું કે પોસ્ટ ઓફિસ આર્થિક વળતરની સાથે શારીરિક અને માનસિક તણાવ માટે પણ વળતર ચૂકવશે. પટેલ સમુદાયના ઘણા લોકો આ અન્યાયનો શિકાર બન્યાં છે.
પીડિતોનું આક્રંદ
મેં મારા જીવનના 15 વર્ષ ગુમાવી દીધાઃ વિજય પારેખ
વિલિસડેન પોસ્ટ ઓફિસના સબ પોસ્ટમાસ્ટર વિજય પારેખે 2006માં નોર્થવેસ્ટ લંડનની આ પોસ્ટઓફિસ સુખમય નિવૃત્ત જીવનની આશામાં હસ્તગત કરી હતી. તે સમયે તેઓ જાણતા નહોતા કે ફક્ત 3 જ વર્ષમાં તેમને પોતાના જ બિઝનેસમાંથી 78000 પાઉન્ડની ચોરીના આરોપસર ખોટી રીતે દોષી ઠેરવાશે. વકીલે ખોટા હિસાબકિતાબનો અપરાધ સ્વીકારી લેવાની સલાહ આપ્યા બાદ વિજય પારેખને 2010માં હેરો ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયા અને તેમણે 6 મહિના જેલમાં વીતાવ્યા હતા. 2021માં અન્ય 39 સબ પોસ્ટમાસ્ટરની સાથે વિજય પારેખને પણ નિર્દોષ જાહેર કરાયાં હતાં. આજે વિજય પારેખ 65 વર્ષના છે અને હજુ આ સ્કેન્ડલ માટે જવાબદારોને સજા અપાવવા લડાઇ લડી રહ્યાં છે. તેઓ કહે છે કે 2009માં ઓડિટ બાદ મારી પોસ્ટ ઓફિસ અને ઘેર દરોડાની કાર્યવાહી કરાઇ હતી. મારા પર 83000 પાઉન્ડના ગબનનો આરોપ મૂકાયો હતો. મેં અને મારા પરિવારે મોર્ગેજ અને લોન લઇને આ રકમ ચૂકવી હતી. તેમ છતાં કોર્ટે મને 18 મહિના કેદની સજા આપી હતી. મને જેલમાં ધકેલી દેવાયો હતો. તે સમયે 75 વર્ષના મારા પિતા પર શું વીતી હશે. 6 મહિના બાદ જેલમાંથી મુક્ત થયા પછી મને વર્ષઓ સુધી કોઇ કામ મળ્યું નહીં તેના કારણે હું નાદાર થઇ ગયો. વિજય પારેખ કહે છે કે હું અને મારો પરિવાર જે યાતનાઓમાંથી પસાર થયાં છે તેની ભરપાઇ નાણાકીય વળતરથી થઇ શકે નહીં. મેં મારા જીવનના 15 વર્ષ ગુમાવી દીધાં છે. માફી મારા 15 વર્ષ પરત કરી શકવાની નથી. આ માટે જવાબદારો સામે કાનૂની પગલાં લેવાવા જોઇએ. ન્યાય મળશે પરંતુ તેમાં સમય લાગશે.
પોસ્ટ ઓફિસની હેરાનગતિ માટે આભાર, મારો બિઝનેસ સ્થાપી શક્યોઃ અશોક સોઢા
અશોક સોઢા કહે છે કે મારી પોસ્ટ ઓફિસ 1982થી 1985 સુધી બંધ કરાવી દેવામાં આવી પરંતુ કમ્પલસરી ક્લોઝર અંતર્ગત મને વળતર મળ્યું હતું. બીજી પોસ્ટ ઓફિસ મેં વેચી દીધી હતી પરંતુ ગમે ત્યારે ટપકી પડતા ઇન્સ્પેક્ટરો દ્વારા મારી ઘણી હેરાનગતિ કરાઇ હતી. અન્ય 900 પોસ્ટ માસ્ટરોએ જે પીડા વેઠી છે તેની સામે મારી પીડા તો કાંઇ નથી. એક વાત તો છે કે પોસ્ટ ઓફિસ દ્વારા મારી સામે જે કાર્યવાહી કરાઇ તેમાંથી બેઠા થઇને મારી બિઝનેસ કેરિયર શરૂ કરી શક્યો. પોસ્ટ ઓફિસની મહેરબાનીથી જ મારા પરિવાર માટે ઇન્ટરનેશનલ બિઝનેસ સ્થાપી શક્યો. પરંતુ પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતાથી કામ કરનારા પોસ્ટ માસ્ટરો સાથે થયેલા વ્યવહારથી હું ઘણો દુઃખી છું.
પરિવારની પીડા માટે કોઇપણ વળતર પુરતું નથીઃ વર્કાસનરાજ પટેલ
એક પીડિત સબ પોસ્ટમાસ્ટરના પુત્ર વર્કાસનરાજ પટેલ કહે છે કે મારા પિતાને ખોટી રીતે દોષી ઠેરવાયા ત્યારે હું 23 વર્ષનો હતો. આજે 36નો છું એટલે કે અમે 13 વર્ષ તણાવમાં વીતાવ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર અમે ભોગવેલી પીડાનું વળતર ચૂકવી શકે તેમ નથી. આજે આપણે સતત ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડિજિટલ પુરાવાનો ઉપયોગ કરતી વખતે સંપુર્ણ સમજ હોવી જરૂરી છે.
દોષી ઠરેલા વિપિનચંદ્રના ગામવાસીઓએ વોન્ટેડના પોસ્ટર લગાવ્યાં હતાં
70 વર્ષીય વિપિનચંદ્ર પટેલ ઓક્સફર્ડશાયરમાં હોર્સપાથ ખાતે પોસ્ટ ઓફિસ ચલાવતા હતા. 2011માં તેમને 75000 પાઉન્ડની ઉચાપતના આરોપસર દોષી ઠેરવી 18 સપ્તાહની સસ્પેન્ડેડ જેલની સજા કરાઇ હતી. સૌથી મોટા દુર્ભાગ્યની વાત એ હતી કે તેમના સાથી ગામવાસીઓ દ્વારા જ તેમના વોન્ટેડ ઓર ડેડના પોસ્ટર લગાવાયા હતા. ડિસેમ્બર 2020માં તેમને નિર્દોષ જાહેર કરાયાં પરંતુ આ એક દાયકો વિપિનચંદ્ર અને તેમના પરિવાર માટે અત્યંત પીડાદાયક રહ્યો હતો.
અમારા સ્વપ્ન ચકનાચૂર કરવા માટે વળતર ચૂકવોઃ સીમા મિશ્રા
સરેના વેસ્ટ બાયફ્લીટમાં સબ પોસ્ટ મિસ્ટ્રેસ એવા સીમા મિશ્રાને જેલમાં મોકલાયા ત્યારે તેઓ ગર્ભવતી હતા. સીમા મિશ્રાને પણ 2010માં જેલની સજા કરાઇ હતી. તેઓ કહે છે કે અમારા સ્વપ્ન ચકનાચૂર કરી નાખવા માટે પોસ્ટ ઓફિસે વળતર ચૂકવવું જ જોઇએ. તેમના પતિ દેવિન્દર મિશ્રા કહે છે કે મારી પત્નીને સ્થાનિક અખબારે પ્રેગ્નન્ટ થીફ ગણાવ્યા બાદ મને 3 વાર માર મારવામાં આવ્યો હતો. સીમા મિશ્રાની સજા કોર્ટ ઓફ અપીલે 2021માં રદ કરી નાખી હતી. 2010માં તેઓ ગર્ભવતી હતા ત્યારે તેમને 15 મહિનાની કેદ કરાઇ હતી.
સરકારનું વળતર અમારા નુકસાનને ભરપાઇ કરી શકશે નહીઃ હસમુખ શિંગાડિયા
અપર બકલબરીમાં હાલ દુકાન ચલાવતા 63 વર્ષીય હસમુખ શિંગાડિયા કહે છે કે અમે ગુમાવેલા વર્ષો માટે સરકારનું વળતર અમારા નુકસાનને ક્યારેય ભરપાઇ કરી શકશે નહીં. મને કેટલું નુકસાન થયું છે તેની ગણતરી માટે હું છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યો છું. મને લાગે છે કે હજુ વધુ 6 મહિનામાં હું અંતિમ આંકડા પર પહોંચી શકીશ. આશા રાખું છું કે પોસ્ટ ઓફિસની કમિટી મારી સાથે ન્યાય કરશે. અમે ઘણા લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છીએ.


