પોસ્ટ ઓફિસ હોરાઇઝન કૌભાંડના પીડિતોને વળતર ચૂકવવામાં ઘોર નિષ્ફળતા

સેંકડો પોસ્ટ ઓફિસ ઓપરેટરને હજુ વળતરની રકમ ચૂકવાઇ નથી અને અસ્વીકાર્ય વિલંબ, અપુરતી ઓફર અને વહીવટી પ્રક્રિયાનો સામનો કરી રહ્યાં છેઃ બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીનો રિપોર્ટ

Tuesday 17th March 2026 11:29 EDT
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી સ્કેમના પીડિત પોસ્ટમાસ્ટરો માટે શરૂ કરાયેલી વળતર યોજનાઓ ગંભીર રીતે નિષ્ફળ ગઇ હોવાનો સંસદીય સમિતિએ આરોપ મૂક્યો છે. બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીના રિપોર્ટ અનુસાર સેંકડો પોસ્ટ ઓફિસ ઓપરેટરને હજુ વળતરની રકમ ચૂકવાઇ નથી અને અસ્વીકાર્ય વિલંબ, અપુરતી ઓફર અને વહીવટી પ્રક્રિયાનો સામનો કરી રહ્યાં છે.

સરકાર દ્વારા હોરાઇઝન પીડિત પોસ્ટ માસ્ટરો માટે હોરાઇઝન શોર્ટફોલ સ્કીમ, ગ્રુપ લિટિગેશન ઓર્ડર અને હોરાઇઝન કન્વિક્શન રિડ્રેસ સ્કીમ એમ 3 વળતર યોજના શરૂ કરાઇ હતી. જેમાં સૌથી મોટી વળતર યોજના હોરાઇઝન શોર્ટફોલ સ્કીમનું સંચાલન પોસ્ટ ઓફિસ પોતે કરે છે. આ સ્કીમ અંતર્ગત સફળ દાવા ધરાવનાર પોસ્ટ ઓફિસ ઓપરેટર 75,000 પાઉન્ડનું નિશ્ચિત વળતર મેળવી શકે છે.

બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ જણાવ્યું છે કે વળતર માટેની ઓફરો નિયમિત રીતે રદ કરી દેવાઇ હતી અને અપીલ પછી તેમાં વધારો કરાયો હતો. કમિટીના અધ્યક્ષ સાંસદ લિયામ બાયર્ને જણાવ્યું હતું કે, સેંકડો પોસ્ટ ઓફિસ ઓપરેટરો હજુ ન્યાયની રાહ જોઇ રહ્યાં છે. તેમણે વર્ષો સુધી વળતર માટે વલખાં માર્યા છે. અમે એવી ગંભીર માળખાકીય નિષ્ફળતાઓ શોધી છે જે તેમના ન્યાયમાં અવરોધ સર્જે છે.

પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે કમિટીના રિપોર્ટનું સ્વાગત કરીએ છીએ. હોરાઇઝન પીડિતોને સંપુર્ણ ન્યાયી અને સમયસર વળતર ચૂકવવાની કમિટીની પ્રતિબદ્ધતાને બિરદાવીએ છીએ.

સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આપણે હોરાઇઝન પીડિતો અને તેમના પરિવારો પર થયેલી અસરોને ક્યારેય ભૂલવી જોઇએ નહીં. અમે કમિટીના રિપોર્ટને આવકારીએ છીએ. ટૂંકસમયમાં કમિટીની ભલામણો પર કાર્યવાહી કરાશે.

હોરાઇઝન પીડિતોને વળતરમાં ફુજિત્સુએ એક કાણી પાઇનું યોગદાન આપ્યું નથી

પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલના પીડિતો માટે ચૂકવવાના 2 બિલિયન પાઉન્ડના વળતરમાં સોફ્ટવેર નિર્માતા કંપની ફુજિત્સુ દ્વારા એક કાણી પાઇનું યોગદાન હજુ સુધી અપાયું નથી. બે વર્ષ પહેલાં કંપનીએ વળતરમાં યોગદાન તેની નૈતિક જવાબદારી હોવાનું સ્વીકાર્યું હતું. કોમન્સની બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્રિટિશ કરદાતાઓ વળતરનો બોજો ઉપાડી રહ્યાં છે ત્યારે જાપાની ટેક કંપનીએ બ્રિટનના જાહેર ક્ષેત્રમાંથી નફો રળ્યો હોવા છતાં પીડિતોને વચગાળાના વળતરની ઓફર પણ કરી નહોતી.

કેપ્ચર પીડિત સબ પોસ્ટમાસ્ટરોને ન્યાયથી વંચિત રાખવા પોસ્ટ ઓફિસના ઉધામા

પોસ્ટઓફિસ હવે કેપ્ચર સોફ્ટવેરની ખામીઓનો ભોગ બનેલા સબ પોસ્ટમાસ્ટરો ન્યાયથી વંચિત રહે તે માટે ઉધામા કરી રહી છે. સોફ્ટવેરમાં ખામી હોવાની કબૂલાત કરી હોવા છતાં પોસ્ટ ઓફિસ સબ પોસ્ટમાસ્ટરોને દોષી ઠેરવતા ચુકાદા રદ કરવાના પ્રયાસોને અવરોધી રહી છે. 1990ના દાયકામાં શરૂ કરાયેલ કેપ્ચર સોફ્ટવેરમાં ખામીઓ હતી તેવી એક સ્વતંત્ર સમીક્ષામાં તારણો અપાયા છતાં 29 સબ પોસ્ટમાસ્ટર હજુ તેમના ચુકાદા રદ થાય તેની રાહ જોઇ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter