પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલઃ 438 નિર્દોષ પોસ્ટ મેનેજરોને હજુ વળતર ચૂકવાયું નથી

વળતરમાં પણ ધાંધિયા સામે જેલની સજા કાપી ચૂકેલા હરજિન્દર બુટોયનો ચિત્કાર

Tuesday 25th July 2023 12:04 EDT
 
 

લંડનઃ ખામીયુક્ત હોરાઇઝન એકાઉન્ટિંગ સિસ્ટમના કારણે ખોટી રીતે દોષી ઠેરવાયેલા 700 પોસ્ટ ઓફિસ મેનેજરો પૈકીના એક પૂર્વ પોસ્ટ માસ્ટર હરજિન્દર બુટોયને 2,08,000 પાઉન્ડની ઉચાપત માટે જેલમાં ધકેલી દેવાયાં હતાં. હવે જાણવા મળ્યું છે કે હરજિન્દર સહિતના 438 અરજકર્તાઓને હજુ વળતર ચૂકવાયું નથી. બુટોય કહે છે કે વળતરના મામલે થઇ રહેલા વિલંબને કારણે તેઓ અન્ય કોઇ આયોજન પણ કરી શક્તા નથી. હોરાઇઝનની ખામીયુક્ત સિસ્ટમે અમારો વિનાશ કરી નાખ્યો છે. મને જેલ થઇ તે દિવસે અમે સર્વસ્વ ગુમાવી દીધું હતું. હું વિચારતો હતો કે એક દિવસ હું આ બધું ભૂલી જઇશ પરંતુ હજુ એ દુસ્વપ્નની ચુંગાલમાંથી મુક્ત થઇ શક્તો નથી. બુટોયને 2007માં 3 વર્ષ અને 3 માસની કેદની સજા કરાઇ હતી. 18 મહિના જેલમાં રહ્યા બાદ તેમને જેલમાંથી મુક્ત કરાયા હતા. એપ્રિલ 2021માં કોર્ટ ઓફ અપીલ દ્વારા તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.

બુટોય કહે છે કે મને પ્રથમ તબક્કાનું વળતર પ્રાપ્ત થયું છે પરંતુ સંપુર્ણ વળતર માટે હજુ વાટાઘાટો ચાલી રહી છે. હવે હું આ બધાથી તંગ આવી ગયો છું. વળતર ચૂકવવા માટે તેઓ કેટલો સમય વાટાઘાટો કરતા રહેશે. પોસ્ટ ઓફિસ સત્તાવાળા વળતરને અડધું કરી નાખવા માગે છે. મને 2007માં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને મારી જાતને નિર્દોષ સાબિત કરવામાં મને 14 વર્ષ લાગ્યાં હતાં. હવે દરેક વર્ષ મારા માટે અલગ પ્રકારની સજા જ છે.

બુટોય કહે છે કે આ બધી પરેશાનીઓ માટે કોઇએ તો જવાબ આપવો જોઇએ. અમારી તકલીફો માટે કોઇકને તો સજા થવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter