લંડનઃ પોસ્ટ ઓફિસના બીજા આઇટી સ્કેન્ડલનો ભોગ બનેલા પીડિત પોસ્ટ માસ્ટરોને વચગાળાનું વળતર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. પીડિત પોસ્ટમાસ્ટરોને અરજી કર્યા બાદ થોડા સપ્તાહમાં 10,000 પાઉન્ડનું વળતર ચૂકવી દેવાશે. ડઝનો પોસ્ટ માસ્ટરોનો દાવો છે કે પોસ્ટ ઓફિસના કેપ્ચર સોફ્ટવેરમાં રહેલી ખામીઓના કારણે તેમનો નાણાકીય નુકસાન થયું હતું. કેટલાક કિસ્સામાં તો હિસાબી ગેરરિતીના આરોપસર કેટલાક પીડિતની સામે ખોટા ખટલા ચલાવીને દોષી ઠેરવાયાં હતાં.
ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડના અધિકારીઓ અને પીડિતો તથા તેમના વકીલો વચ્ચેની બેઠક બાદ આ જાહેરાત કરાઇ હતી. નવી વળતર યોજનાનો પ્રારંભ આગામી ઓટમથી થશે. જોકે અધિકારીઓ દ્વારા ચોક્કસ તારીખની જાહેરાત કરાઇ નથી. પાયલોટ પ્રોજેક્ટમાં 150 કેપ્ચર પીડિતોને અરજી માટે આમંત્રણ અપાશે અને ત્યારબાદ આ યોજનાનું વિસ્તરણ કરાશે.
જોકે ખોટી રીતે દોષી ઠેરવાયેલા કેપ્ચર પીડિતોની ચિંતા એ છે કે તેમની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરાશે. જ્યાં સુધી તેમના ચુકાદાને રદ ન કરાય ત્યાં સુધી તેઓ વળતર માટે અરજી કરી શકશે કે કેમ તે એક સવાલ છે.


