લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરોનું વર્ણન કરવા માટે પોસ્ટ ઓફિસના દસ્તાવેજોમાં અત્યંત ધૃણાસ્પદ રેસિસ્ટ શબ્દોનો ઉપયોગ કરાતો હતો. છેલ્લે આ દસ્તાવેજો 2013માં સુધારાયા હતા. હોરાઇઝન સ્કેન્ડલના આંદોલનકારીઓએ આ દસ્તાવેજો હાંસલ કર્યા હતા જેમાં તપાસકર્તાઓને વંશીયતાના આધારે શંકાસ્પદોના ગ્રુપ તૈયાર કરવા કહેવામાં આવ્યું હતું. આંદોલનકારીઓએ આ મામલો ઉજાગર કર્યા બાદ ગયા વર્ષે પોસ્ટ ઓફિસે તપાસ શરૂ કરી હતી.
પોસ્ટ ઓફિસની સિક્યુરિટી ટીમ દ્વારા ઉપયોગમાં લેવાતા દસ્તાવેજમાં આઇડેન્ટિટી કોડનો ઉપયોગ થતો હતો. દરેક કોડ વ્યક્તિના વંશીય સમુદાયના મૂળનું વર્ણન કરવા માટે ભાષા સાથે સાંકળી લેવાયો હતો. તેમાં કેટલાક ધૃણાસ્પદ રેસિસ્ટ શબ્દોનો પણ ઉપયોગ કરાયો હતો. જેનો ઉલ્લેખ અહીં કરી શકાય તેમ નથી.
પોસ્ટ ઓફિસના ગ્રુપ ચીફ કેરેન મેકઇવાને જણાવ્યું હતું કે, દસ્તાવેજમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા અત્યંત ધૃણાસ્પદ હતી. સપ્ટેમ્બર 2023માં પોસ્ટ ઓફિસમાં જોડાયા બાદ હું સંસ્થાના કલ્ચરમાં બદલાવ લાવવાના તમામ પ્રયાસોને સમર્થન આપી રહી છું.

