લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના કારણે ખરડાઇ ચૂકેલી સરકારી માલિકીની કંપની પોસ્ટ ઓફિસના અધ્યક્ષ હેન્રી સ્ટાઉન્ટનની સરકાર દ્વારા હકાલપટ્ટી કરાઇ છે. બિઝનેસ સેક્રેટરી કેમી બેડનોકે સપ્તાહાંતમાં જ હેન્રીને સૂચના આપી દેવાઇ હતી કે તેમને હોદ્દા પરથી હટાવવામાં આવી રહ્યાં છે.
બેડનોકે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસની ઉચ્ચ કક્ષાએ સમીક્ષા કરવામાં આવી રહી છે. મને લાગે છે કે પોસ્ટ ઓફિસને નવા નેતૃત્વની જરૂર છે. અમે પરસ્પર સમજણથી અલગ થઇ રહ્યાં છીએ. 75 વર્ષીય સ્ટાઉન્ટન ડિસેમ્બર 2022માં પોસ્ટ ઓફિસના વડાપદે નિયુક્ત થયા હતા. આ પહેલાં તેઓ લાંબા સમય સુધી એફટીએસઇના બોર્ડોમાં સેવા આપી ચૂક્યાં હતાં.
વડાપ્રધાન રિશી સુનાક હોરાઇઝન સ્કેન્ડલમાં સબ પોસ્ટમાસ્ટરો વિરુદ્ધના ચુકાદા સાગમટે રદ કરવા માટે નવો કાયદો ઘડવાની તૈયારી કરી રહ્યાં છે તેવા સમયે જ સરકાર દ્વારા પોસ્ટ ઓફિસના વડાને હટાવવાનો નિર્ણય લેવાયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનાથી સરકાર અને પોસ્ટ ઓફિસના વડા વચ્ચે ઘણા મુદ્દા પર તણાવ પ્રવર્તી રહ્યો હતો. એક નવા સ્વતંત્ર ડિરેક્ટરની નિયુક્તિ મામલે પણ સરકાર અને સ્ટાઉન્ટન વચ્ચે તણાવ હતો.
જૂન 2023માં હાઉસ ઓફ કોમન્સની બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ હાથ ધરેલી સુનાવણીમાં 2021-22માં પોસ્ટ ઓફિસના એક્ઝિક્યુટિવોને ચૂકવાયેલા 1.6 મિલિયન પાઉન્ડના બોનસ મુદ્દે અધ્યક્ષ ડેરેન જોન્સ દ્વારા સ્ટાઉન્ટનની પૂછપરછ કરાઇ હતી.


