લંડનઃ પોસ્ટ ઓફિસમાં હોરાઇઝન આઇટી સિસ્ટમ પહેલાં ઉપયોગમાં લેવાતી ખામીયુક્ત આઇટી સિસ્ટમ કેપ્ચર અંગેનો એક ચોંકાવનારો અહેવાલ લગભગ 30 વર્ષ બાદ એક નિવૃત્ત કોમ્પ્યુટર નિષ્ણાત દ્વારા એક ગેરેજમાંથી શોધી કઢાયો છે. આ એક એવો મહત્વનો પુરાવો છે જેના આધારે અગાઉ અપાયેલા ઘણા ચુકાદા ઉલટાવી શકાશે. આ દસ્તાવેજ 1998માં પોસ્ટ ઓફિસને મળ્યો હતો. તેને અત્યંત મહત્વનો અને મૂળભૂત પુરાવો ગણાવવામાં આવી રહ્યો છે.
કેપ્ચર આઇટી સિસ્ટમ પોસ્ટ ઓફિસની 2000 કરતાં વધુ શાખાઓમાં 1992થી 1999 વચ્ચે ઉપયોગમાં લેવાતી હતી. તેમાં રહેલી ખામીઓના કારણે જ હિસાબ-કિતાબમાં ભૂલો આવતી હતી.
પેટ્રિસિયા ઓવેનના કેસમાં અખબારી અહેવાલ બાદ આગળ આવેલા એક નિવૃત્ત કોમ્પ્યુટર નિષ્ણાતે લાંબાસમયથી ગૂમ થયેલ મનાતા કેપ્ચર અંગેના દસ્તાવેજો શોધી કાઢ્યાં છે. એડ્રિયન મોન્ટાગુ નામના આ વ્યક્તિ 1998માં પેટ્રિસિયાના કેસમાં મહત્વના સાક્ષી બની શક્તા હતા પરતુ તેઓ તે સમયે સાક્ષી માટે આગળ આવ્યા નહોતા.
આ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે કેપ્ચર આઇટી સિસ્ટમ મોટી હોનારત સર્જી શકે છે અને તંત્ર તેની રાહ જોઇ રહ્યું છે. કોઇ ક્રિમિનલ અપરાધ થયો છે કે નહીં તે અંગે વ્યાજબી શંકાઓ પ્રવર્તી રહી છે. આ સોફ્ટવેર બકવાસ તારણો આપી શકે છે અને તેમાં ઘણી ખામીઓ રહેલી છે.