લંડનઃ પોસ્ટ ઓફિસની ત્રીજી કોમ્પ્યુટર સિસ્ટમ ખામીયુક્ત હોવાનો પર્દાફાશ થયો છે. ડેનબિગશાયરના કોરવેનમાં પોસ્ટ ઓફિસ ચલાવતા પૂર્વ સબ પોસ્ટમાસ્ટર ગેરેથ સ્નોને તેમમની બ્રાન્ચના હિસાબમાં 57,000 પાઉન્ડની ગેરરિતીના આરોપસર વર્ષ 2001માં 6 મહિનાની જેલ ફટકારવામાં આવી હતી.
હવે સ્નોનો કેસ ક્રિમિનલ કેસ રીવ્યૂ કમિશન દ્વારા કોર્ટ ઓફ અપીલને સોંપવામાં આવ્યો છે. કમિશનને જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસ કોમ્પ્યુટર સિસ્ટમની ઓટોમેટિક પેમેન્ટ સર્વિસ અને ઓટોમેટિક પેમેન્ટ ટર્મિનલમાં હિસાબની ભૂલો થઇ શકે છે.
કેપ્ચર અને હોરાઇઝન આઇટી સિસ્ટમ બાદ પોસ્ટ ઓફિસની આ ત્રીજી કોમ્પ્યુટર સિસ્ટમ છે જેના કારણે પીડિતને ખોટી રીતે સજા કરવામાં આવી હતી. સ્નોએ આરોપ મૂક્યો હતો કે ઓટોમેટિક પેમેન્ટ ટર્મિનલના કારણે હિસાબમાં રકમ ઓછી દેખાઇ રહી છે.
કમિશને જણાવ્યું છે કે સ્નોને ખોટી રીતે દોષી ઠેરવાયા હોવાનું કોર્ટ ઓફ અપીલમાં પૂરવાર થાય તેવી પ્રબળ સંભાવના છે. ઓટોમેટિક પેમેન્ટ સર્વિસ અને ઓટોમેટિક પેમેન્ટ ટર્મિનલમાં ખામીના કારણે કોઇ સબ પોસ્ટમાસ્ટરને દોષી ઠેરવાયા હોય તેવો આ પહેલો કેસ છે.
પોસ્ટ ઓફિસ પર કોર્પોરેટ મેનસ્લોટરનો આરોપ મૂકવા પોલીસની વિચારણા
પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ હવે કોર્પોરેટ માનવસંહારના આરોપો પર વિચારણા કરી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસમાં પીડિતોને અપાયેલી માહિતીમાં નેશનલ પોલીસ ચીફ કાઉન્સિલે જણાવ્યું હતું કે, હાલ અમે 8 શંકાસ્પદો પર તપાસ કેન્દ્રિત કરી રહ્યાં છીએ. કોર્પોરેટ મેનસ્લોટરનો ચાર્જ કોઇ વ્યક્તિ પર નહીં પરંતુ કંપની પર મૂકવામાં આવે છે.


